Home Tech/Gadgets Whatsapp 9400 Accounts Ban India Digital Arrest Scam

12 અઠવાડિયામાં 9,400 અકાઉન્ટ્સ બેન : શા માટે WhatsAppનું આકરું વલણ?

WhatsApp ban India
Published by: Vishal Dave
Last Updated: Apr 29, 2026, 02:30 PM IST

ભારતમાં ઝડપથી વધતા ડિજિટલ ઠગાઈના કેસ વચ્ચે WhatsAppએ એક મોટું અને નોંધપાત્ર પગલું ભર્યું છે. માત્ર થોડા અઠવાડિયામાં જ કંપનીએ 9,400થી વધુ શંકાસ્પદ અકાઉન્ટ્સને બંધ કરી દીધા છે. આ કાર્યવાહી ખાસ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’ નામના નવા પ્રકારના સ્કેમને રોકવા માટે કરવામાં આવી છે—જેમાં ઠગ લોકોની ભયભાવનાનો ઉપયોગ કરીને પૈસા ઉઘરે છે.

ભારતમાં સાયબર ક્રાઇમના વધતા ખતરા વચ્ચે WhatsAppએ એક સખત કાર્યવાહી હાથ ધરી છે. જાન્યુઆરી 2026થી શરૂ થયેલી આ અભિયાનમાં લગભગ 12 અઠવાડિયામાં 9,400થી વધુ અકાઉન્ટ્સને બેન કરવામાં આવ્યા છે. આ મુદ્દે માહિતી દેશની સર્વોચ્ચ અદાલત, એટલે કે Supreme Court of Indiaમાં પણ રજૂ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે મામલો કેટલો ગંભીર છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ‘ડિજિટલ અરેસ્ટ’ તરીકે ઓળખાતા એક ખતરનાક સ્કેમને નિયંત્રિત કરવાનો હતો. આ પ્રકારની ઠગાઈમાં લોકોની માનસિક સ્થિતિ સાથે રમાઈને પૈસા ઉઘરવામાં આવે છે.

શું છે ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ?

‘ડિજિટલ અરેસ્ટ’ એક નવીન અને ચિંતાજનક પ્રકારની ઓનલાઇન ઠગાઈ છે. તેમાં ઠગ પોતાને પોલીસ અધિકારી, CBI એજન્ટ અથવા અન્ય સરકારી અધિકારી તરીકે રજૂ કરે છે. તેઓ પીડિત વ્યક્તિને કોલ અથવા મેસેજ દ્વારા જણાવે છે કે તે કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલ છે, જેમ કે મની લોન્ડરિંગ અથવા ડ્રગ્સ કેસ. આ બાદ તેઓ પીડિતને કલાકો સુધી વિડિયો કોલ પર રાખે છે, જેથી તે અન્ય કોઈ સાથે વાત ન કરી શકે. આ દરમિયાન ભયનો માહોલ ઉભો કરીને વ્યક્તિ પાસેથી સંવેદનશીલ માહિતી અથવા સીધા પૈસા માગવામાં આવે છે. નોંધનીય વાત એ છે કે ભારતીય કાયદામાં ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી કોઈ જ વ્યવસ્થા અસ્તિત્વમાં નથી.

સ્કેમ કેવી રીતે કામ કરે છે?

આ આખી ઠગાઈનો મોડસ ઓપરંડી ખૂબ સુવ્યવસ્થિત છે. પહેલા પીડિતને ડરાવવામાં આવે છે. પછી તેની પાસેથી આધાર નંબર, બેંક વિગતો, OTP અથવા પાસવર્ડ જેવી માહિતી માંગવામાં આવે છે. ત્યારબાદ કેસ “સેટલ” કરવા માટે પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવે છે. ઘણા કેસોમાં ઠગો લોકોની લાગણીઓ સાથે રમે છે અને તેમને એવું વિશ્વાસ અપાવે છે કે જો તેઓ તરત જ પૈસા નહીં આપે તો તેમની ધરપકડ થઈ શકે છે.

વિદેશથી સંચાલિત નેટવર્ક

તપાસમાં સામે આવ્યું છે કે આ સ્કેમ સાથે જોડાયેલા ઘણા અકાઉન્ટ્સ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો ખાસ કરીને કમ્બોડિયામાંથી સંચાલિત થઈ રહ્યા હતા. આ મુદ્દે WhatsAppએ ભારતીય એજન્સીઓ જેવી કે Indian Cyber Crime Coordination Centre, Ministry of Electronics and Information Technology અને Department of Telecommunications સાથે મળીને કામ કર્યું.

આ સંકલિત પ્રયત્નોથી માત્ર વ્યક્તિગત અકાઉન્ટ્સ નહીં પરંતુ સમગ્ર સ્કેમ નેટવર્ક સુધી પહોંચવામાં સફળતા મળી છે.

3,800થી 9,400 અકાઉન્ટ્સ સુધીનો સફર

શરૂઆતમાં સરકારી એજન્સીઓએ આશરે 3,800 શંકાસ્પદ અકાઉન્ટ્સની ઓળખ કરી હતી. પરંતુ WhatsAppની આંતરિક તપાસ અને એલ્ગોરિધમ્સ દ્વારા આ નેટવર્ક વધુ વિસ્તૃત હોવાનું જાણવા મળ્યું. પરિણામે કુલ 9,400થી વધુ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી. આ દર્શાવે છે કે સાયબર ક્રાઇમ હવે એક સંચાલિત આંતરરાષ્ટ્રીય નેટવર્ક તરીકે વિકસી રહ્યો છે.

યુઝર્સ માટે નવા સેફ્ટી ફીચર્સ

આવા સ્કેમ્સ સામે યુઝર્સને સુરક્ષિત રાખવા માટે WhatsAppએ કેટલાક નવા સિક્યોરિટી ફીચર્સ પણ રજૂ કર્યા છે. હવે અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ પર વોર્નિંગ મળશે. સાથે જ યુઝરને ખબર પડશે કે અકાઉન્ટ કેટલું જૂનું છે. શંકાસ્પદ ચેટ્સમાં પ્રોફાઇલ ફોટો વિઝિબિલિટી મર્યાદિત કરી શકાય છે અને કોલર આઈડેન્ટિફિકેશનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેથી ફેક કોલ્સ ઓળખવી સરળ બને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now