2026 T20 World Cup : બાંગ્લાદેશને 2026 T20 વર્લ્ડ કપમાંથી બહાર કર્યા પછી, બધાની નજર પાકિસ્તાન પર છે. આ કાર્યવાહીનો વિરોધ કરી રહેલા પાકિસ્તાનએ પોતે જ બહિષ્કાર કરવાની ધમકી આપી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી (Mohsin Naqvi) એ હ્યું છે કે, સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા પછી જ ટીમને ભારત મોકલવામાં આવશે. આ સંદર્ભમાં, મોહસીન નકવીએ સોમવારે સાંજે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરી હતી, ત્યારબાદ મોહસીન નકવીએ કહ્યું હતું કે, અંતિમ નિર્ણય શુક્રવાર અથવા સોમવાર સુધીમાં જાહેર કરવામાં આવશે. આ પછી, ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 ને બોયકોટ કરવા જઈ રહ્યું છે. જોકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પહેલાથી જ પાકિસ્તાનને કોઈ કારણ વગર T20 વર્લ્ડ કપ બોયકોટ કરે છે, તો તેના શું પરિણામો આવશે તે ભોગવવાની ચેતવણી પાકિસ્તાનને આપી દીધી છે. આ પહેલાથી જ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જો T20 વર્લ્ડ કપ બોયકોટ કરશે તો 'ભિખારી' બની જશે. જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ T20 વર્લ્ડ કપને બોયકોટ કરે તો, આ 5 પોઇન્ટ્સ પાકિસ્તાન માટે જ મોંઘો સાબિત થશે.
ICC પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવશે
જો PCB તેની સરકારના નિર્દેશ પર 2026 T20 વર્લ્ડ કપને બોયકોટ કરે છે, તો ICC તેને "રાજકીય હસ્તક્ષેપ" જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં, ICC પાકિસ્તાન પર વિવિધ પ્રતિબંધો લગાવી શકે છે. આ પ્રતિબંધોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:
ICC ઇવેન્ટ્સનું આયોજન કરવા પર બેન:
પાકિસ્તાનને 2028 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન આપવામાં આવ્યું છે, જેને ICC રદ કરી શકે છે. પાકિસ્તાનને આગામી કોઈપણ ICC ઇવેન્ટ્સનું આયોજન કરવાથી પણ બેન કરી દેવામાં આવશે.
ગ્લોબલ ક્રિકેટ બેન :
ICC પાકિસ્તાન પર ગ્લોબલ ક્રિકેટ બેન લગાવી શકે છે, જેનાથી તે કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં અથવા અન્ય કોઈપણ દેશ સાથે બાયલેટરલ સિરીઝ રમી શકશે નહીં. સાઉથ આફ્રિકા ચાર દાયકા સુધી આવા બેનનો સામનો કરી ચૂકી છે, અને ઝિમ્બાબ્વે અને શ્રીલંકા પણ થોડા સમય માટે બેન રહેલા છે.
પાર્ટનરશીપ એગ્રીમેન્ટનો ભંગ
T20 વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં ભાગ લેતા પહેલા, દરેક ફુલ મેમ્બર દેશ અને ICC વચ્ચે ટુર્નામેન્ટ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (TPA) પર હસ્તાક્ષર કરવામાં આવે છે. જો પાકિસ્તાન છેલ્લી ઘડીએ ટુર્નામેન્ટમાંથી ખસી જાય છે, તો ICC આ કરારના ભંગ બદલ તેની સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
અબજો રૂપિયાની આવક જપ્ત કરવામાં આવશે.
ICC વાર્ષિક ધોરણે બધા સભ્ય દેશોને આવક ફાળવે છે. પાકિસ્તાનને ICC ના કુલ આવક પૂલના આશરે 6% મળે છે, જે આ વર્ષે લગભગ ₹316 કરોડ થવાની ધારણા છે. વધુમાં, T20 વર્લ્ડ કપની તૈયારી અને ભાગ લેવા માટે પાકિસ્તાનને ICC તરફથી $5 મિલિયન (આશરે ₹46 કરોડ) મળવાના હતા, જે તેને બોયકોટ પછી મળશે નહીં. વધુમાં, પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઇનામ રકમ અને મેચ સંબંધિત અન્ય કમાણી તરીકે $2 મિલિયન (આશરે ₹18 કરોડ) મળવાના હતા, જે તેને મળશે નહીં. આ રકમનું મહત્વ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે કોઈ પણ અનુમાન કરી શકે છે, જે ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
PSL માટે પ્લેયરના NOC પર બેન
ICC એ પહેલાથી જ ચેતવણી આપી છે કે, પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમવા માટે વિદેશી ખેલાડીઓને NOC આપવાની પ્રક્રિયા બંધ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવા ક્રિકેટ બોર્ડ પણ આ સંદર્ભમાં ICC ની સાથે રહેશે. આ લીગ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે, અને વિદેશી ક્રિકેટરોની હાજરીને કારણે તેનું આકર્ષણ જળવાઈ રહે છે. જો ICC અને અન્ય દેશના બોર્ડ વિદેશી ખેલાડીઓને લીગમાં ભાગ લેવા પર બેન મૂકે છે, તો PSL નો અંત આવશે, જેના પરિણામો પાકિસ્તાનને ભોગવવા પડશે.
પાકિસ્તાન સંપૂર્ણપણે અલગ થઈ જશે
જો પાકિસ્તાન T20 વર્લ્ડ કપને બોયકોટ કરે છે, તો તેને ICC તરફથી પણ બોયકોટનો સામનો કરવો પડશે. આનાથી તે ક્રિકેટ સમુદાયથી સંપૂર્ણપણે અલગ થઈ જશે. ICC ની મંજૂરીના અભાવે અન્ય કોઈ દેશ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા આવશે નહીં. આવક ઉત્પન્ન કરવી સંપૂર્ણપણે અશક્ય બની જશે. પરિણામે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નાશ થશે. ICC ની મંજૂરી વગર, પાકિસ્તાનને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) તરફથી એશિયા કપ અથવા ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ટીમ મોકલવાની પરવાનગી મળશે નહીં, જેનાથી ત્યાં ક્રિકેટનો દરવાજો પણ બંધ થઈ જશે.





















