Home Gujarat What Is The Sant Surdas Scheme Of Gujarat Government You Get 1 Thousand Every Month

ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ : આ યોજના દેશભરના અન્ય રાજ્યો માટે બનશે એક પ્રેરણાદાયી ઉદાહરણ!

ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ
Published by: OBS Bureau
Last Updated: Apr 03, 2025, 03:54 PM IST

Sant Surdas Yojana: ગુજરાત સરકારે દિવ્યાંગજનોના જીવનને સરળ અને સન્માનભેર બનાવવા માટે "સંત સુરદાસ યોજના" નામની એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. અઢી દાયકાથી અમલમાં મૂકવામાં આવેલી આ યોજના દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આશીર્વાદરૂપ સાબીત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તાજેતરના ફેરફારો સાથે આ યોજના હવે વધુ વ્યાપક અને સમાવેશી બની છે, જે રાજ્યના હજારો દિવ્યાંગજનો માટે આશાનું કિરણ બની રહી છે.

નવી શરૂઆત, નવી આશા
આ યોજનામાં તાજેતરમાં થયેલા ફેરફારો થકી યોજનાનો વ્યાપ અનેકગણો વધ્યો છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 80 ટકા દિવ્યાંગતા હોવી જરૂરી હતી, પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને 60 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 82 હજારથી વધુ દિવ્યાંગજનોને લાભ મળવાનો માર્ગ મોકળો થયો છે. આ ઉપરાંત ઉંમર અને આવકની મર્યાદા પણ દૂર કરવામાં આવી છે, જેનાથી તમામ પાત્ર લાભાર્થીઓને એકસમાન સહાય મળી રહે છે. BPL કાર્ડ અને 0-17 વર્ષની ઉંમરની ફરજિયાત જોગવાઈ પણ હટાવી દેવાઈ છે, જે આ યોજનાને વધુ સરળ અને સુલભ બનાવશે.

આર્થિક સહાયનું મજબૂત પાસું
દિવ્યાંગ વ્યક્તિઓને સંત સુરદાસ યોજના હેઠળ દર મહિને રૂ. 1 હજારની સહાય આપવામાં આવે છે. ખૂબ જ પારદર્શિતા સાથે આ રકમ સીધી તેમના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા જમા થાય છે. વર્ષ 2024-25માં, 31મી જાન્યુઆરી 2025 સુધીમાં આ યોજના હેઠળ 45,788 લાભાર્થીઓને કુલ રૂ. 40 કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી છે. આ આંકડાઓ યોજનાની વધતી અસરકારકતાને દર્શાવે છે. આ ઉપરાંત, વર્ષ 2025-26ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 99 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે દિવ્યાંગજનોના કલ્યાણ પ્રત્યે સરકારની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

સરકારની પ્રતિબદ્ધતા
ગુજરાત સરકાર દિવ્યાંગજનોના જીવનને વધુ સરળ અને સમૃદ્ધ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ યોજના માત્ર આર્થિક સહાય જ નથી પૂરી પાડતી, પરંતુ દિવ્યાંગજનોને સમાજમાં સન્માનભેર સ્થાન અપાવવાનો પણ પ્રયાસ કરે છે. સંત સુરદાસ યોજના એ ગુજરાત સરકારની એક એવી પહેલ છે, જે દિવ્યાંગજનોના જીવનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે. આ યોજના દ્વારા ન માત્ર તેમનું જીવનધોરણ સુધરશે, પરંતુ તેઓ સમાજના અભિન્ન અંગ તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી શકશે. ગુજરાતનું આ પગલું દેશભરના રાજ્યો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે. આ યોજના દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, એમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતુ.

સંત સુરદાસ યોજના દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એક મજબૂત પાયો નાંખી રહી છે. રૂ. 99 કરોડની બજેટ ફાળવણી સાથે, આગામી વર્ષોમાં આ યોજના વધુ લાભાર્થીઓ સુધી પહોંચશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ યોજના દિવ્યાંગજનોને માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સમાજમાં સમાનતા અને સન્માનનો અધિકાર પણ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now