Home Gujarat Ahmedabad Amc Health Department Seized Substandard Paneer Ahmedabad News

સાવધાન! : અમદાવાદમાં નકલી પનીરનું વેચાણ કરતા આ એકમો પર ત્રાટકી મ્યુનિસિપલ કોર્પોરેશન, 244 કિલો જથ્થો જપ્ત

Ahmedabad Fake Paneer AMC Raid
Published by: Nirali Gohil
Last Updated: Apr 08, 2026, 05:23 AM IST

અમદાવાદ: શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. છેલ્લા કેટલાક સમયથી નકલી અને બિનઆરોગ્યપ્રદ પનીરના વેચાણની ફરિયાદો ઉઠતા, તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. મંગળવારે હાથ ધરવામાં આવેલી આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ 244 કિલો શંકાસ્પદ અને હલકી ગુણવત્તાનું પનીર જપ્ત કરીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

ગોટા અને નરોડાની ડેરીઓમાંથી પનીરનો જથ્થો ઝડપાયો

તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં મુખ્યત્વે બે ડેરીઓ નિશાન પર રહી હતી. શહેરના ગોટા વિસ્તારમાં આવેલી કૃષ્ણા ડેરીમાંથી 140 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે નરોડા વિસ્તારની રાધે ડેરીમાંથી 104 કિલો પનીર કબજે લેવાયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પનીર સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાનું) હોવાની આશંકા છે. આ તમામ જથ્થાના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

બિનઆરોગ્યપ્રદ સ્થિતિને કારણે બે જાણીતી રેસ્ટોરન્ટ સીલ

માત્ર પનીર જ નહીં, પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં પીરસાતી વાનગીઓની ગુણવત્તા અને ત્યાંની સ્વચ્છતાને લઈને પણ AMC એ કડક વલણ અપનાવ્યું છે. આ ઝુંબેશ હેઠળ વસ્ત્રાલમાં આવેલી ભૈરવ પંજાબી તડકા અને નવરંગપુરાની પંજાબ દી મહેક રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન આ સ્થળોએ ભારે ગંદકી અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળતા તંત્રએ તાત્કાલિક અસરથી આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો : AAPનો માસ્ટરસ્ટ્રોક, સાતમી યાદી સાથે પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો મેદાનમાં!

5 દિવસમાં 452 એકમોની તપાસ, અનેકને નોટિસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સઘન તપાસ અભિયાનમાં મોટાપાયે ગેરરીતિઓ સામે આવી છે. 3 એપ્રિલથી 7 એપ્રિલ વચ્ચેના માત્ર પાંચ દિવસના ગાળામાં તંત્રની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 452 ખાદ્ય એકમોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા અને સ્વચ્છતાના માપદંડો જાળવવામાં નિષ્ફળ રહેલા 235 જેટલા એકમોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે, જે દર્શાવે છે કે,અડધાથી વધુ એકમોમાં કોઈને કોઈ ખામી જોવા મળી હતી.

આ ઝુંબેશ દરમિયાન આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરતા 199 કિલો જેટલા અખાદ્ય અને વાસી ખોરાક તેમજ 318 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ પીણાં અને પ્રવાહીનો સ્થળ પર જ નાશ કર્યો હતો, જેથી તે લોકોના પેટ સુધી ન પહોંચે. ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે તંત્ર દ્વારા કુલ 188 નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. ખાસ કરીને પનીરમાં ભેળસેળની વધતી ફરિયાદોને ધ્યાને રાખીને લેવાયેલા નમૂનાઓમાં 69 સેમ્પલ પનીરના અને ૫૨ સેમ્પલ દૂધની અન્ય બનાવટોના છે, જેના રિપોર્ટ બાદ દોષિત એકમો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

'એનાલોગ પનીર' વેચનારા સાવધાન: AMC ની કડક ચેતવણી

AMCના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં દૂધમાંથી બનેલા અસલી પનીરના નામે વનસ્પતિ તેલ અને અન્ય પદાર્થોમાંથી બનેલું 'એનાલોગ પનીર' વેચવાનું પ્રમાણ વધ્યું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ગ્રાહકોને છેતરતા આવા તત્વો સામે 'ફૂડ સેફ્ટી એક્ટ' અને 'GPMC એક્ટ' હેઠળ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તંત્રની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now