અમદાવાદ અને વડોદરાની 30થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચિંતાનો માહોલ સર્જાયો છે. શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક પોલીસ તંત્ર, શાળા સંચાલકો અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને અનેક શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
'બોમ્બ મળવાની ધમકી અંગે ડીજીપીને તાત્કાલિક સૂચના આપી છે'
આ મામલે રાજ્યના DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'તેમણે બોમ્બ મળવાની ધમકી અંગે ડીજીપીને તાત્કાલિક સૂચના આપી છે. બંને શહેરોમાં વિશેષ ટીમ કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં પણ આવા પ્રકારના ઈમેલ મળ્યા હતા અને તે કયા દેશમાંથી અથવા કઈ જગ્યાથી મોકલાયા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે ઈન્ક્વાયરી ચાલુ છે અને બંને શહેરોના પોલીસ કમિશનરો પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે'.
'બોમ્બ થ્રેટ બાબતે સરકાર સંપૂર્ણ ગંભીર છે'
આ મુદ્દે મંત્રી રીવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'બોમ્બ થ્રેટ બાબતે સરકાર સંપૂર્ણ ગંભીર છે. શાળાઓ સહિત અન્ય કોઈ સ્થળે આવી ધમકી મળે તો તેને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે'. ધમકીના પગલે વાલીઓમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને તપાસ બંને દિશામાં ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે.




















