રાજુ કરપડાએ AAPમાંથી રાજીનામું આપી ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટી પર કરેલા આક્ષેપોને લઈને હવે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનો તીખો વળતો જવાબ આવ્યો છે. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, રાજુ કરપડાના શબ્દો કોઈ 'સ્ક્રિપ્ટ'માંથી આવતા હોય એવી શંકા થાય છે. તેમના મત મુજબ, જેલમાં જવાથી બચવા માટે રાજુ કરપડાએ ખેડૂતોના આંદોલનની બલી ચડાવી દીધી છે અને માત્ર જેલની બીકે તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
'રાજુ કરપડાએ ગુજરાતની જનતાથી હકીકત છુપાવી છે'
ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું કે, જો રાજુ કરપડાએ આજે તેમના પર આરોપો ન લગાવ્યા હોત તો તેમની જેલની સજા પાક્કી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, રાજુ કરપડાએ AAP પર આરોપો તો લગાવ્યા, પરંતુ ગુજરાતની જનતાથી હકીકત છુપાવી છે. ઇટાલીયાના જણાવ્યા મુજબ 'રાજુ કરપડાએ ગાંધીનગરમાં ગુપ્ત બેઠક કરી હતી અને ભાજપનો હાથો બનીને ખેડૂતોના નિસાસા લેવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ખેડૂતોના મનમાં આશા જાગી હતી, પરંતુ તેવા સમયે રાજુ કરપડાએ જે પગલું ભર્યું તે યોગ્ય નથી'.
ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ
ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, 'સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા પછી કોઈ કેદીને જેલની બહાર કાઢવામાં આવતો નથી, છતાં રાજુ કરપડાને રાત્રે 10 વાગ્યે બહાર છોડવામાં આવ્યા, જે ભાજપ સાથેની ગોઠવણના કારણે શક્ય બન્યું. તેમણે દાવો કર્યો કે, સુરેન્દ્રનગર અદાલતમાં રાજુ કરપડાના બે કેસમાં આજે અંતિમ સુનાવણી છે અને ભાજપ તરફથી દબાણ કરવામાં આવ્યું હતું કે, જો 12 ફેબ્રુઆરીએ AAP વિરુદ્ધ સ્ક્રિપ્ટ મુજબ આક્ષેપ નહીં કરવામાં આવે તો કોર્ટમાં ગંભીર પરિણામ આવી શકે છે.
'રાજુ કરપડાએ ડર અને લાચારીમાં આ પગલું ભર્યું છે'
ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ, 'જો રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને AAP પર આરોપો ન લગાવ્યા હોત તો કોર્ટમાં તેમને મોટી સજા થવાની સંભાવના હતી'. તેમણે કહ્યું કે, 'રાજુ કરપડાએ ડર અને લાચારીમાં આ પગલું ભર્યું છે અને જનતાને સાચી હકીકત જણાવવી જોઈએ હતી કે સુરેન્દ્રનગરમાં અંતિમ સુનાવણી હોવા છતાં તેઓ રાજકોટમાં કેમ હતા. ઇટાલીયાએ દાવો કર્યો કે, 'AAPએ સ્થાનિક અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના વકીલોને રાજુ કરપડાના સમર્થનમાં ઉભા રાખ્યા હતા અને પાર્ટીએ તેમના સમર્થનમાં 8 કિસાન મહાપંચાયતો યોજી હતી'.




















