Ahmedabad News: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે રાજકારણમાંથી પોતાની નિવૃત્તિ અંગે વહેતી થયેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ કોંગ્રેસમાં જ છે અને આજીવન કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર તરીકે કાર્યરત રહેશે. રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત તદ્દન પાયાવિહોણી અને ભ્રામક છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ : લાંબી રાહ બાદ અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
કડીના કાર્યક્રમમાં આપેલા નિવેદન અંગે ખુલાસો
ગઈકાલે મહેસાણા જિલ્લાના કડી મુકામે ઠાકોર સમાજના ધોરણ-10ના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે એક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આપેલા પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા બળદેવજી ઠાકોરે જણાવ્યું કે, "મારો હેતુ સમાજ શિક્ષિત અને સંગઠિત બને તેમજ દીકરા-દીકરીઓ અને યુવાનો આગળ વધે તેવો હતો. મેં સમાજમાં નવી પેઢી અને નવી કેડર તૈયાર થાય તે આશયથી નિવેદન આપ્યું હતું."
પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમે વડીલો એક ડગલું પાછળ રહીને નવી પેઢીને આગળ કરીશું, જેથી યુવા નેતૃત્વ તૈયાર થાય. આ વાતને નિવૃત્તિ સાથે કોઈ લેવાદેવા નથી."
આ પણ વાંચો: 'જમીન આપીશું, પણ ન્યાયીક ભાવ જોઈએ' : મહીસાગરનાં લુણાવાડાના ખેડૂતોનો સરકાર સામે ઉગ્ર વિરોધ, આંદોલનની ચેતવણી
કોંગ્રેસમાં ક્યારેય નિષ્ક્રિય નહીં થાઉં
પોતાની રાજકીય પ્રતિબદ્ધતા દોહરાવતા તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પક્ષમાં ક્યારેય નિષ્ક્રિય થવાના નથી. પક્ષને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેઓ સક્રિય ભૂમિકા ભજવશે. જો જરૂર પડશે તો એક માર્ગદર્શક અને સલાહકાર બનીને પણ કોંગ્રેસ પક્ષને આગળ લાવવા માટે રાત-દિવસ કામ કરતા રહેશે.





