Home National West Bengal New Cm Suvendu Adhikari Sapath Ceremony Pm Modi Kolkata Live

બંગાળમાં આજથી 'કેસરીયો' લહેરાશે : શુભેન્દુ અધિકારી લેશે મુખ્યમંત્રી પદના શપથ, PM મોદી અને 20 રાજ્યોના CMની હાજરીમાં રચાશે ઈતિહાસ

Suvendu Adhikari Sapath
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 03:52 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં આજે, 9 મે 2026ના રોજ એક સુવર્ણ અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. દાયકાઓ સુધી ડાબેરીઓ અને ત્યારબાદ 15 વર્ષ સુધી તૃણમૂલ કોંગ્રેસના શાસન બાદ, બંગાળમાં આજે પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના કદાવર નેતા શુભેન્દુ અધિકારી આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ મમતા બેનર્જીના દોઢ દાયકાના શાસનનો સત્તાવાર રીતે અંત આવશે અને બંગાળમાં નવી રાજકીય દિશાની શરૂઆત થશે.

આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે ભાજપ દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. કોલકાતાનું બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ અત્યારે જાણે કેસરીયા રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ છે. આ સમારોહ માત્ર સત્તા પરિવર્તનનું પ્રતીક નથી, પરંતુ ભાજપ માટે પૂર્વી ભારતમાં મળેલી આ એક મોટી વૈચારિક જીત પણ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારો આ કાર્યક્રમ દેશભરના રાજકારણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો: શપથ ગ્રહણ પહેલા જ સાઉથ સુપરસ્ટાર વિજયની મુશ્કેલી વધી : TVK પર લાગ્યો ફેક લેટરનો આરોપ, દિનાકરને નોંધાવી પોલીસ ફરિયાદ

VVIP મહેમાનોનો જમાવડો: દિલ્હીથી લઈને પૂર્વોત્તર સુધીના નેતાઓ ઉતરશે

આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, આ ક્ષણને ઐતિહાસિક બનાવવા માટે ભાજપ શાસિત રાજ્યોના 20 થી વધુ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ કોલકાતા પહોંચ્યા છે. મહેમાનોની યાદીમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, રાજસ્થાનના પ્રેમચંદ બૈરવા, તેમજ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને હરિયાણાના નાયબ સિંહ સૈનીનો સમાવેશ થાય છે. પૂર્વોત્તર રાજ્યોના હિમંતા બિસ્વા સરમા અને પેમા ખાંડુ જેવા દિગ્ગજ નેતાઓ પણ આ મંચ પર જોવા મળશે.

'સોનાર બાંગ્લા' થીમ અને શહીદ પરિવારોનું સન્માન

આખું શપથ ગ્રહણ સ્થળ 'સોનાર બાંગ્લા'ની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે, જે બંગાળની ભવ્ય સંસ્કૃતિની ઝલક રજૂ કરે છે. જોકે, આ કાર્યક્રમની સૌથી ભાવુક અને નોંધપાત્ર ક્ષણ એ હશે જ્યારે TMC શાસન દરમિયાન રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા 200 થી વધુ ભાજપ કાર્યકર્તાઓના પરિવારોને ખાસ સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે. ભાજપ આ દ્વારા સંદેશ આપવા માંગે છે કે આ નવી સરકાર તેમના બલિદાનનું પરિણામ છે. આ ઉપરાંત ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને કલા જગતની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: West Bengal government formation updates : પ.બંગાળના રાજ્યપાલને મળ્યા સુવેન્દુ અધિકારી, સરકાર બનાવવા માટે રજૂ કર્યો દાવો, કાલે 11 વાગ્યે બે ડેપ્યુટી CM સાથે લેશે શપથ

સુરક્ષાનો અભેદ્ય કિલ્લો અને ભવ્ય તૈયારીઓ

ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડને અત્યારે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આશરે 1,000 VVIP અને 9,000 થી વધુ ખાસ મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા સમર્થકો માટે 20 થી વધુ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે અને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભાજપના પ્રદેશ નેતાઓ દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ અને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો આ ઐતિહાસિક શપથવિધિના સાક્ષી બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now