પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ ભારતીય રાજનીતિમાં નવો ઈતિહાસ રચી દીધો છે. મમતા બેનર્જીના અભેદ ગઢ ગણાતા બંગાળમાં ભાજપે જે રીતે વિજય પતાકા લહેરાવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ હવે માત્ર હિન્દી પટ્ટાની પાર્ટી નથી રહી, પરંતુ પૂર્વ ભારતમાં પણ તેનું કમળ ખીલી ઉઠ્યું છે. આ જીત પાછળ ભાજપની એ જ 'બિહાર ફોર્મ્યુલા' હોવાનું મનાય છે જેણે પડોશી રાજ્યમાં NDAને ભવ્ય સફળતા અપાવી હતી.
બંગાળની જનતાએ આ વખતે પરિવર્તન પર મહોર મારી છે. ભય, ભ્રષ્ટાચાર અને તૃણમૂલ કોંગ્રેસના કથિત ગુંડારાજ સામે ભાજપે સુશાસન અને મહિલા સુરક્ષાનું જે મોડલ રજૂ કર્યું, તેણે મમતા બેનર્જીના વોટબેંકના ગણિતને વેરવિખેર કરી નાખ્યું છે. સંદેશખાલી અને આરજી કર (RG Kar) જેવી ઘટનાઓએ બંગાળમાં મહિલાઓના આક્રોશને જન્માવ્યો હતો, જે અંતે ભાજપની તરફેણમાં પરિણમ્યો છે.
મમતા બેનર્જી સામે બંગાળમાં નારાજગી કેમ વધી? : વિવાદો, ભ્રષ્ટાચાર અને સુરક્ષાના સવાલોની અંદરની કહાની
બંગાળ જીતવા માટેના 6 મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ
1. બિહાર જેવું હિન્દુ મતોનું ધ્રુવીકરણ
ભાજપે બિહારમાં મુસ્લિમ તુષ્ટિકરણ સામે હિન્દુ મતોને એકત્રિત કરવાની જે વ્યૂહરચના અપનાવી હતી, તે બંગાળમાં પણ કારગત નીવડી છે. બિહારમાં 20% મુસ્લિમ મતો હોવા છતાં NDA 200થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું, અને આ જ અસર બંગાળના સરહદી વિસ્તારોમાં પણ જોવા મળી. બંગાળમાં જે બેઠકો પર મુસ્લિમ મતોનું વર્ચસ્વ હતું ત્યાં પણ હિન્દુ મતોના ધ્રુવીકરણને કારણે પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે.
2. 'SIR' અને ઘૂસણખોરીનો આક્રમક મુદ્દો
મતદાર યાદીની સમીક્ષા અને ઘૂસણખોરોને બહાર કાઢવાના મુદ્દાને ભાજપે આક્રમક રીતે જનતા સમક્ષ મૂક્યો હતો. વિરોધ પક્ષોએ તેને વોટની ચોરી ગણાવી હતી, પરંતુ ભાજપે તેને રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થાનિકોના હક સાથે જોડીને આસામથી બંગાળ સુધી ધ્રુવીકરણ કરવામાં સફળતા મેળવી હતી.
3. મોદીની 6 ગેરંટી અને મહિલા કાર્ડ
ભાજપે બંગાળની મહિલાઓ માટે વચનોનો પિટારો ખોલ્યો હતો. ગરીબ મહિલાઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય, ગર્ભવતી મહિલાઓ માટે 21,000 રૂપિયા અને સરકારી નોકરીઓમાં 33% અનામતના વચને મહિલા મતદારોને ભાજપ તરફ વાળી દીધા છે. આ ઉપરાંત સરહદ પર 100% વાડ બનાવવાની ગેરંટીએ પણ સુરક્ષાના મુદ્દે લોકોનો વિશ્વાસ જીત્યો છે.
શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું કેવી રીતે મોદી-શાહે સાકાર કર્યું?: 66 વર્ષ પછી બદલાઈ ગયો ઈતિહાસ
4. ભય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સુશાસનનું વચન
બંગાળમાં પ્રવર્તતા કથિત 'સિન્ડિકેટ રાજ' અને 'કટ મની'ના મુદ્દે ભાજપે મમતા સરકારને બરાબરની ઘેરી હતી. અમિત શાહ અને સુવેન્દુ અધિકારીએ ટીએમસી કાર્યકરોના ગુંડારાજનો અંત લાવવાના વારંવારના વચનો આપ્યા હતા. ખાસ કરીને સંદેશખાલી જેવી ઘટનાઓને મહિલા સુરક્ષા સાથે જોડીને ભાજપે જનતામાં પરિવર્તનની લહેર ઉભી કરી હતી.
5. પ્રવાસી મજૂરો અને બેરોજગારીની પીડા
રોજગારી માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરતા બંગાળી મજૂરો આ ચૂંટણીમાં મોટો ફેક્ટર સાબિત થયા છે. બેરોજગારી અને સિંગુર-નંદીગ્રામ જેવા વિસ્તારોમાં ઉદ્યોગોના અભાવને ભાજપે જોરશોરથી ઉઠાવ્યો હતો. હુગલીના બટાકાના ખેડૂતોનું સંકટ પણ તૃણમૂલ કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થયું છે.
હવાઈ ચપ્પલ પહેરીને બંગાળ પર હકુમત કરનાર 'દીદી'ની દાસ્તાન: 2011ના ઉદયથી 2026ના કડવા જનાદેશ સુધીની કહાની
6. એકજૂથ સંગઠન અને સ્થાનિક નેતૃત્વ
બંગાળમાં ભાજપે આ વખતે જૂથબંધી દૂર કરીને એકજૂથ ચહેરો રજૂ કર્યો હતો. સૌમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને શુભેન્દુ અધિકારી જેવા નેતાઓએ કોઈપણ મુખ્યમંત્રીના ચહેરા વગર માત્ર પક્ષના કાર્યક્રમો અને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે રણનીતિ પક્ષ માટે ફળદાયી રહી છે.





