Home International Weird Tradition Madhya Pradesh Women Beating Husbands Gangaur Festival

પત્નીઓ લાકડીથી કરે છે પતિની ધોલાઈ : શ્રદ્ધા સાથે જોડાયેલી છે આ અનોખી પરંપરા

પત્નીઓ લાકડીથી કરે છે પતિની ધોલાઈ
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 04:45 PM IST

ભારતભરમાં અનેક વિવિધતાસભર પરંપરાઓ જોવા મળે છે પરંતુ મધ્યપ્રદેશના દેવાસમાં એક એવી પ્રથા પ્રચલિત છે જે સાંભળીને કોઈપણ નવાઈ પામી શકે છે. અહીંના આદિવાસી સમુદાયમાં મહિલાઓ દ્વારા પુરુષો પર લાકડીઓ વરસાવવાનો એક અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. આ પરંપરા દેવી માતાના આશીર્વાદ મેળવવા અને પિરવારની સુખાકારી માટે દાયકાઓથી ઉજવવામાં આવે છે જેમાં સ્થાનિક લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે.

ગણગૌર પર્વ પર લાકડીઓનો વરસાદ

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલા બાગલી વિસ્તારમાં ગણગૌર પર્વ દરમિયાન આ દ્રશ્યો જોવા મળે છે. આદિવાસી સમાજની મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ ઉત્સવના ભાગરૂપે ગોળ તોડવાની એક રસપ્રદ વિધિ યોજાય છે. જેમાં એક ઊંચા લાકડાના સ્તંભ પર ટોચના ભાગે ગોળ અથવા નારિયેળની પોટલી બાંધવામાં આવે છે. ગામના પુરુષોની ટોળી આ પોટલી મેળવવાનો પ્રયાસ કરે છે જ્યારે મહિલાઓ આંબલીની લાકડીઓ વડે તેમને રોકે છે. પુરુષો પોતાનો બચાવ કરવા માટે હાથમાં ઢાલ લઈને આવે છે. આ પ્રક્રિયા દરમિયાન મહિલાઓ સખત રીતે લાકડીઓ ફટકારે છે જે દ્રશ્ય કોઈ યુદ્ધ જેવું પ્રતીત થાય છે.

ઈજાને માનવામાં આવે છે માતાનો પ્રસાદ

આ રમત અથવા વિધિ કુલ 7 વખત પુનરાવર્તિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણીવાર પુરુષોને શરીરે ઈજાઓ પણ પહોંચે છે પરંતુ તેને અશુભ માનવાને બદલે શ્રદ્ધાળુઓ તેને માતાજીનો આશીર્વાદ અને પ્રસાદ ગણે છે. એવી માન્યતા છે કે આ વિધિથી પિતના જીવનમાં પ્રગતિ થાય છે અને વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. આ પરંપરાના કારણે સમગ્ર ગામમાં સુખ અને શાંતિ જળવાઈ રહેતી હોવાનું ગ્રામજનો માને છે.

કુમારી કન્યાઓ માટે પણ છે મહત્વ

આ પરંપરામાં માત્ર પરિણીત મહિલાઓ જ નહીં પરંતુ કુંવારી કન્યાઓ પણ ઉત્સાહભેર ભાગ લે છે. પરિણીત સ્ત્રીઓ પોતાના સુખી સંસાર માટે પ્રાર્થના કરે છે જ્યારે કુંવારી યુવતીઓ ગણગૌર માતાની આરાધના કરીને મનગમતો અને સંસ્કારી વર પ્રાપ્ત થાય તેવી મનોકામના કરે છે. આ અનોખો રિવાજ આધુનિક યુગમાં પણ આદિવાસી સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું કામ કરી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now