Washington DC Air Quality: અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વર્ષે ભવ્યતા સાથે કરવામાં આવી હતી, પરંતુ આ ઉજવણી હવે પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં માત્ર 40 મિનિટ દરમિયાન અંદાજે 8.5 લાખ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના પરિણામે શહેરની હવા ખતરનાક સ્તરે પ્રદૂષિત થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સ્થાનિક પ્રશાસને 'કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ' જાહેર કરવાની ફરજ પડી હતી. વૈશ્વિક એર ક્વોલિટી મોનિટરિંગ એજન્સી IQAirના આંકડા મુજબ, થોડા સમય માટે વોશિંગ્ટન ડીસી વિશ્વના સૌથી પ્રદૂષિત મુખ્ય શહેરોમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું હતું. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ લોકોને બહાર નીકળવાનું ટાળવા, માસ્ક પહેરવા અને ઘરમાં રહેવાની સલાહ આપી છે.
40 મિનિટમાં 8.5 લાખ ફટાકડા, ગિનીસ રેકોર્ડનો પ્રયાસ
આ વિશાળ આતશબાજીનું આયોજન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થન સાથે જોડાયેલી નોન-પ્રોફિટ સંસ્થા 'ફ્રીડમ 250' દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ઐતિહાસિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે વોશિંગ્ટન ડીસીના 10 અલગ-અલગ સ્થળોએથી એકસાથે ફટાકડા છોડવામાં આવ્યા હતા. નેશનલ મોલ, પોટોમેક નદી અને વેસ્ટ પોટોમેક પાર્ક સહિતના વિસ્તારોમાંથી અંદાજે 8,50,000 ફટાકડા છોડવામાં આવ્યા હતા. આયોજકોનો દાવો છે કે આ કાર્યક્રમ દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2016માં ફિલિપિન્સમાં 8.10 લાખ ફટાકડા ફોડવાનો રેકોર્ડ નોંધાયો હતો. આ આતશબાજીનો કાર્યક્રમ ન્યૂયોર્કના પ્રખ્યાત મેસીઝ ફાયરવર્ક્સ શો કરતાં પણ અનેક ગણો મોટો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
'કોડ રેડ' એલર્ટ જાહેર, લોકો માટે આરોગ્ય ચેતવણી
આતશબાજી બાદ ફેલાયેલા ઘન ધુમાડા અને પ્રદૂષણના કારણે વોશિંગ્ટન ડીસીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ હતી. જેના પગલે તંત્ર દ્વારા 'કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ' જાહેર કરવામાં આવ્યું.
અધિકારીઓએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડાતા લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી છે. બહાર જવું અનિવાર્ય હોય તો N95 માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, આવી હવામાં લાંબા સમય સુધી શ્વાસ લેવાથી શ્વસન તંત્ર પર ગંભીર અસર પડી શકે છે અને અસ્થમા અથવા અન્ય શ્વાસની બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે સ્થિતિ વધુ જોખમી બની શકે છે.
હીટ વેવ અને પ્રદૂષણ વચ્ચે સેંકડો લોકો સારવાર માટે પહોંચ્યા
વોશિંગ્ટન ડીસીમાં આ પ્રદૂષણ એવા સમયે ફેલાયું છે જ્યારે શહેર અને આસપાસના વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ રહ્યું છે. નેશનલ મોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પણ કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિક આરોગ્ય અધિકારી ડૉ. કિશા ડેવિસે આતશબાજી પહેલાં જ ચેતવણી આપી હતી કે, "આવી હવામાં શ્વાસ લેવો એટલે સિગારેટ પીતા પીતા મેરેથોન દોડવા જેવું છે." મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવાર મધરાતથી લઈને રવિવાર સવાર સુધી નેશનલ મોલ વિસ્તારથી સેંકડો લોકોએ સારવાર લીધી હતી. જેમાંથી 40થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ આરોગ્ય સમસ્યાઓ પાછળનું ચોક્કસ કારણ ગરમી હતી કે પ્રદૂષણ, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
ટ્રમ્પે આતશબાજીને ગણાવી 'સૌથી શાનદાર'
ભવ્ય આતશબાજી શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 40 મિનિટનું સંબોધન કર્યું હતું. કાર્યક્રમ બાદ તેમણે સોશિયલ મીડિયા પર આ ફાયરવર્ક્સ શોની પ્રશંસા કરતા લખ્યું કે, "મેં અત્યાર સુધી જોયેલો આ સૌથી શાનદાર ફટાકડાનો શો હતો." જોકે પર્યાવરણપ્રેમીઓ અને આરોગ્ય નિષ્ણાતોએ આ કાર્યક્રમને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે આવી વિશાળ આતશબાજી તાત્કાલિક મનોરંજન પૂરું પાડે છે, પરંતુ તેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર લાંબા ગાળાની નકારાત્મક અસર થઈ શકે છે.
શું ભવ્ય ઉજવણીની કિંમત હવે પ્રદૂષણના રૂપમાં ચૂકવવી પડશે?
વોશિંગ્ટન ડીસીમાં સર્જાયેલી પરિસ્થિતિએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું વિશાળ સ્તરે કરવામાં આવતી આતશબાજી અને જાહેર ઉજવણીઓ માટે પર્યાવરણને જોખમમાં મૂકવું યોગ્ય છે? એક તરફ ગિનીસ રેકોર્ડ બનાવવા માટે લાખો ફટાકડા ફોડવામાં આવ્યા, તો બીજી તરફ તેના કારણે લાખો લોકો માટે હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ. વિશ્વભરમાં વધતા પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન વચ્ચે હવે આવી ઉજવણીઓના પર્યાવરણીય પ્રભાવ અંગે નવી ચર્ચા શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





