PM Modi Indonesia Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસનો આજે બીજો દિવસ અનેક રાજદ્વારી અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો છે. જકાર્તામાં મંગળવારે સવારે પ્રધાનમંત્રીમોદીને ઔપચારિક રીતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બંને નેતાઓએ પરસ્પર મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યૂહાત્મક સહકાર સતત વધતો રહ્યો છે. બંને દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદાર માનવામાં આવે છે અને સંરક્ષણ, વેપાર, ઊર્જા તથા સમુદ્રી સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ મુલાકાતને એશિયાના રાજકીય અને આર્થિક પરિપ્રેક્ષ્યમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં દ્વિપક્ષીય બેઠક, અનેક મુદ્દાઓ પર ચર્ચા
ગાર્ડ ઓફ ઓનર સમારોહ બાદ પ્રધાનમંત્રી મોદી જકાર્તાના રાષ્ટ્રપતિ ભવન ‘ઇસ્તાના મેર્ડેકા’ પહોંચ્યા હતા. અહીં તેમણે વિઝિટર બુકમાં સહી કરી હતી અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન, ટેક્નોલોજી, વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પરસ્પર સહકારને આગામી વર્ષોમાં વધુ વિસ્તૃત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે ચાર મોટા નિર્ણયો
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે યોજાયેલી ચર્ચાઓમાં કેટલીક મહત્વપૂર્ણ સહમતિઓ સામે આવી છે, જે બંને દેશો માટે લાંબા ગાળે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે. ભારત ઇન્ડોનેશિયાને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિકસાવવામાં સહયોગ આપશે. આ પગલાને ભારતની ચૂંટણી પ્રણાલી પ્રત્યે આંતરરાષ્ટ્રીય વિશ્વાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સહયોગ વધ્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતની સ્વદેશી ‘અસ્ત્ર’ એર-ટુ-એર મિસાઈલની કામગીરીથી પ્રભાવિત થઈ ઇન્ડોનેશિયાએ તેની ખરીદીમાં રસ દર્શાવ્યો છે. આ ઉપરાંત ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમના યુનિટ ઉપલબ્ધ કરાવશે તેવી પણ ચર્ચા થઈ છે.
મહત્વપૂર્ણ ખનિજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારત ઇન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર-અર્થ મેગ્નેટ્સના ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરશે. વૈશ્વિક સપ્લાય ચેઇન મજબૂત બનાવવા માટે આ સહયોગને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બંને દેશોએ મળીને ઇન્ડોનેશિયાના સબાંગ બંદરના વિકાસ માટે પણ સહકાર આપવાનો નિર્ણય કર્યો છે. આ બંદર ભારતના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટની નજીક સ્થિત હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધી જાય છે.
પ્રમ્બાનન મંદિરની મુલાકાત લેશે પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદી આજે ઇન્ડોનેશિયાના વિશ્વપ્રસિદ્ધ પ્રમ્બાનન મંદિરની મુલાકાત પણ લેશે. આ મંદિર ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર માનવામાં આવે છે અને તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે. નવમી સદીમાં નિર્માણ પામેલું પ્રમ્બાનન મંદિર ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માને સમર્પિત છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાના પ્રભાવનું આ મંદિર જીવંત પ્રતિક માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી અગાઉ પણ અનેક વખત ઇન્ડોનેશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ પ્રમ્બાનન મંદિરની તેમની આ પ્રથમ મુલાકાત હોવાનું માનવામાં આવે છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં હિન્દુ સંસ્કૃતિની ઝાંખી
ઇન્ડોનેશિયા દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, તેમ છતાં તેની સાંસ્કૃતિક ઓળખમાં હિન્દુ અને બૌદ્ધ પરંપરાની ગાઢ અસર જોવા મળે છે. દેશમાં આજે પણ રામાયણ આધારિત રામલીલા યોજાય છે, રાષ્ટ્રીય એરલાઇનનું નામ ગરુડ ઇન્ડોનેશિયા છે અને ભૂતકાળમાં ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ભગવાન ગણેશની તસવીર પણ છપાઈ ચૂકી છે. આ બાબતો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
ભારતીય સમુદાયને સંબોધશે વડાપ્રધાન
પ્રમ્બાનન મંદિરની મુલાકાત બાદ પ્રધાનમંત્રીમોદી ઇન્ડોનેશિયાના ઉદ્યોગપતિઓ સાથે રાઉન્ડટેબલ બેઠક યોજશે. તેઓ જકાર્તામાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી પોતાના આગામી પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે. ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલા નિર્ણયો આગામી સમયમાં ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને નવી દિશા આપી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





