વકફ બિલને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એનડીએ અને તેના સાથી પક્ષો આ બિલને પાસ કરાવવા માટે એક થયા છે. જ્યારે વિપક્ષના I.N.D.I.A. બ્લોક સામે છે. વક્ફ સુધારા બિલ 2024 બુધવારે, 2 એપ્રિલના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સરકાર વતી, કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બિલને ગૃહમાં રજૂ કર્યું હતુ. ગૃહમાં સરકારનો પક્ષ રજૂ કરતાં તેમણે કહ્યું કે જો સંશોધન ન કરવામાં આવ્યું હોત તો આ સંસદ પર પણ દાવો કરવામાં આવી રહ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ દ્વારા સંસદ પર કબજો અટકાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી રિજિજુએ લોકસભામાં કહ્યું કે, દિલ્હીમાં 1978 થી એક કેસ ચાલી રહ્યો હતો. દિલ્હી વક્ફ બોર્ડે CGO કોમ્પ્લેક્સ, સંસદ ભવન, એરપોર્ટ, વસંત વિહાર અને અન્ય ઘણી સરકારી મિલકતો પર દાવો કર્યો હતો. જો નરેન્દ્ર મોદીની સરકાર ન આવી હોત અને યુપીએ સરકાર સત્તામાં રહી હોત તો મને નથી ખબર કે આ ઈમારત ડીનોટિફાઈ થઈ ગઈ હોત કે કેમ. પહેલા જ 123 પ્રોપર્ટી પહેલાથી જ ડિનોટિફાઈ કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રીના આ નિવેદન પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તો રિજિજુએ કહ્યું કે તેઓ મનથી કંઈ કહી રહ્યા નથી, બધુ જ સત્તાવાર રેકોર્ડમાં છે. જો કોઈ તર્ક ન હોય તો આ રીતે હંગામો કરવો યોગ્ય નથી. સ્પીકરે વિપક્ષને કહ્યું કે જ્યારે તમારો વારો આવશે ત્યારે તમે તમારા વિચારો રજૂ કરશો.
નોંધનીય છે કે વકફ બિલને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એનડીએ અને તેના સાથી પક્ષો આ બિલને પાસ કરાવવા માટે એક થયા છે. જ્યારે વિપક્ષના I.N.D.I.A. બ્લોક તેની સામે છે.
'મસ્જિદના કામમાં કોઈ દખલ નહીં'
વિપક્ષના વિરોધ વચ્ચે બોલતા કેન્દ્રીય મંત્રી રિજિજુએ કહ્યું કે, વકફ સુધારા બિલમાં કોઈપણ ધાર્મિક બાબતોમાં દખલગીરીની જોગવાઈ નથી. અમે કોઈ મસ્જિદના કામકાજમાં હસ્તક્ષેપ કરવાના નથી. આ ફક્ત પ્રોપર્ટી મેનેજમેન્ટ સંબંધિત વિષય છે. જો કોઈ મુસલમાન જકાત આપે છે તો આપણે તેને પ્રશ્ન કરવા કોણ છીએ? અમે ફક્ત તેના સંચાલન વિશે વાત કરી રહ્યા છીએ.
'મોટાભાગની અરજીઓ આ બિલ પર આવી'
કિરેન રિજિજુએ કહ્યું કે આજ સુધી કોઈ બિલ પર આટલી વધુ સંખ્યામાં અરજીઓ મળી નથી. 284 પ્રતિનિધિમંડળોએ અલગ-અલગ સમિતિઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. 25 રાજ્યોના વક્ફ બોર્ડે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. નીતિ નિર્માતાઓ અને વિદ્વાનોએ પણ સમિતિ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. સકારાત્મક વિચારસરણી સાથે આ બિલનો વિરોધ કરનારાઓ પણ તેનું સમર્થન કરશે.
સ્વતંત્રતા પછી, 1954 માં, વક્ફ કાયદો પ્રથમ વખત સ્વતંત્ર ભારતનો કાયદો બન્યો અને તેમાં રાજ્ય બોર્ડની જોગવાઈ પણ કરવામાં આવી. આ કાયદો 1995માં વ્યાપક બન્યો હતો. તે સમયે કોઈએ તેને ગેરબંધારણીય કે ગેરકાનૂની ગણાવ્યું ન હતું. આજે આ બિલ લાવી રહ્યા છીએ ત્યારે આવું કહેવાનો વિચાર કેવી રીતે આવ્યો? તમે લોકોને એવી વસ્તુ વિશે ગેરમાર્ગે દોર્યા છે જેને બિલ સાથે કોઈ લેવાદેવા નથી.
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા વિપક્ષી દળોએ બિલના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી, આ બિલ ઓગસ્ટ 2024 માં સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. ત્યાં કેટલાક ફેરફારો પછી, બિલ ફરી એકવાર સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે.






