Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પોલીસ જાપ્તામાં રહેલો એક આરોપી હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોપી ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં ઝડપાયો હતો અને તેને નિયમિત તબીબી ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં વઢવાણ પોલીસના જાપ્તામાં હતો. તેને તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ બાથરૂમ જવાની જરૂરિયાત હોવાનું જણાવતાં પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ તંત્રમાં દોડધામ
આરોપી ફરાર થતાં જ વઢવાણ પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ઘટનાની જાણ થતાં જ આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે. સંભવિત સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીના પરિચિતો તેમજ સંભવિત સંપર્કોના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આસપાસના પોલીસ મથકોને પણ એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આરોપી કઈ દિશામાં ફરાર થયો અને તેને કોઈની મદદ મળી હતી કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તપાસ
આ ઘટનાને પગલે હોસ્પિટલમાં પોલીસ જાપ્તા દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે મુદ્દે પણ આંતરિક તપાસ કરવામાં આવી શકે છે. પોલીસ જાપ્તામાં રહેલા આરોપી કેવી રીતે ભાગી છૂટ્યો તે અંગેના સંજોગોની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ફરાર આરોપીને ઝડપવા માટે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. હાલ સુધી આરોપીનો કોઈ ચોક્કસ પત્તો મળ્યો નથી. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે આરોપી અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકને જાણ કરે.






