Volkswagen Tayron : ભારતીય બજારમાં પોતાની પ્રીમિયમ SUV રેન્જને વધુ વિસ્તૃત કરવાની તૈયારીમાં રહેલી ફોક્સવેગન (Volkswagen) 10 જુલાઈએ Tayron SUVનું નવું લોઅર-સ્પેક વેરિઅન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ લોન્ચ પહેલાં સત્તાવાર ટીઝર જાહેર કરીને નવા મોડલની ડિઝાઇન, કેબિન અને કેટલીક મુખ્ય વિગતોનો ખુલાસો કર્યો છે. આ વેરિઅન્ટ હાલ વેચાતી Tayron R-Line કરતાં નીચેનું સ્થાન મેળવશે અને તેની કિંમત પણ પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે. કંપનીના ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે નવી Tayron દેખાવમાં R-Line જેવી જ પ્રીમિયમ ઓળખ જાળવી રાખશે, પરંતુ કેટલીક સ્ટાઇલિંગ અને ફીચર્સમાં ફેરફાર કરીને તેને વધુ વ્યાપક ગ્રાહકવર્ગ માટે રજૂ કરવામાં આવશે. કિંમતોની સત્તાવાર જાહેરાત લોન્ચના દિવસે કરવામાં આવશે.
એક્સટીરિયરમાં મળશે પ્રીમિયમ લુક, પરંતુ સ્પોર્ટી તત્વો રહેશે મર્યાદિત
નવી Volkswagen Tayronના આગળના ભાગમાં પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ, કનેક્ટેડ LED લાઇટ બાર અને મધ્યમાં ઇલ્યુમિનેટેડ Volkswagen લોગો આપવામાં આવ્યો છે. જોકે, R-Lineની સરખામણીએ ફ્રન્ટ ગ્રિલ અને બમ્પરની ડિઝાઇન વધુ સરળ અને ઓછી સ્પોર્ટી રાખવામાં આવશે. સાઇડ પ્રોફાઇલમાં નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ જોવા મળે છે, જોકે કંપનીએ હજુ તેના કદ અંગે માહિતી આપી નથી. નોંધનીય છે કે Tayron R-Lineમાં 19-ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવે છે. ઉપરાંત ગ્લોસ બ્લેક વ્હીલ આર્ચ, રૂફ રેલ્સ અને પ્રીમિયમ ફિનિશ નવા વેરિઅન્ટને આકર્ષક બનાવે છે. પાછળના ભાગમાં કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ અને ઇલ્યુમિનેટેડ Volkswagen બેજ આપવામાં આવ્યું છે, જ્યારે રિયર બમ્પરની ડિઝાઇન R-Line કરતાં વધુ સરળ રહેશે.
આ પણ ખાસ વાંચો : 10.49 લાખમાં આવી Nissan Tekton! : ADAS અને Google Built-in સાથે Nissanએ મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં કર્યું જબરદસ્ત કમબેક
કેબિનમાં ડ્યુઅલ-ટોન થીમ સાથે મળશે અનેક આધુનિક સુવિધાઓ
ઇન્ટિરિયરની વાત કરીએ તો નવા વેરિઅન્ટમાં ડ્યુઅલ-ટોન સીટ અપહોલ્સ્ટરી આપવામાં આવી છે, જ્યારે R-Lineમાં સંપૂર્ણ બ્લેક ઇન્ટિરિયર જોવા મળે છે. ડેશબોર્ડની ડિઝાઇન મોટાભાગે યથાવત રાખવામાં આવી છે અને તેમાં ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તેમજ સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવશે. ટીઝરમાં બ્લુ એમ્બિયન્ટ લાઇટિંગ, મેટલ પેડલ્સ અને પેનોરેમિક સનરૂફ પણ જોવા મળે છે. જોકે, આ વેરિઅન્ટમાં R-Lineમાં ઉપલબ્ધ કેટલીક પ્રીમિયમ સુવિધાઓને દૂર કરવામાં આવી શકે છે. સંપૂર્ણ ફીચર લિસ્ટ કંપની લોન્ચ સમયે જાહેર કરશે.
204 hpનું ટર્બો પેટ્રોલ એન્જિન અને AWD સિસ્ટમ યથાવત રહેવાની શક્યતા
મેકેનિકલ રીતે નવી Tayronમાં R-Line જેવું જ 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળવાની શક્યતા છે. આ એન્જિન 204 hpનો પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક (DSG) ગિયરબોક્સ આપવામાં આવશે અને પાવર ચારેય વ્હીલ્સ સુધી પહોંચાડતી ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ પણ યથાવત રહેવાની શક્યતા છે. જો આ સ્પેસિફિકેશન જાળવી રાખવામાં આવશે તો પરફોર્મન્સના મામલે નવા વેરિઅન્ટ અને R-Line વચ્ચે મોટો તફાવત નહીં રહે.
આ પણ ખાસ વાંચો : 26 વર્ષ બાદ Yamahaની આઇકોનિક બાઇકને અંતિમ વિદાય : YZF-R6નું પ્રોડક્શન કાયમ માટે બંધ, જાણો કંપનીએ કેમ લીધો ઐતિહાસિક નિર્ણય
ભારતીય બજારમાં કોને મળશે ટક્કર?
Volkswagen Tayronનું આ નવું વેરિઅન્ટ એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહ્યું છે, જેઓ પ્રીમિયમ SUV ખરીદવા માંગે છે પરંતુ R-Lineની ઊંચી કિંમત ચૂકવવા ઇચ્છતા નથી. લોન્ચ બાદ તેનું સ્થાન કંપનીની પ્રીમિયમ SUV લાઇનઅપમાં વધુ સુલભ વિકલ્પ તરીકે રહેશે. સત્તાવાર કિંમત અને સંપૂર્ણ ફીચર્સની માહિતી 10 જુલાઈના લોન્ચ ઇવેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ જ સ્પષ્ટ થશે કે આ નવા વેરિઅન્ટમાં R-Lineની સરખામણીએ કયા ફીચર્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેની કિંમતમાં કેટલો તફાવત રહેશે.





