Home Gujarat Visavadar Jambudi Village Leopard Attack Elderly Woman

વિસાવદરના જાંબુડીમાં દીપડાનો સતત આતંક : ઘરમા ઘુસી વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો, વનવિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી

વિસાવદરના જાંબુડી ગામમાં દીપડાના હુમલા બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 22, 2026, 10:52 AM IST

જૂનાગઢ: જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાં દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. મધરાતના સમયે ગામમાં ઘૂસેલા દીપડાએ એક વૃદ્ધા પર જીવલેણ હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારજનોની બૂમાબૂમ સાંભળીને દીપડો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. હુમલા બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે પહેલા સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

વિસ્તારમાં ત્રીજી વખત દીપડાનો હુમલો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જાંબુડી અને આસપાસના વિસ્તારમાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી દીપડો પકડાશે નહીં ત્યાં સુધી ગામમાં ભયનું વાતાવરણ યથાવત રહેશે. પુંજાભાઈ વાળા, ઇજાગ્રસ્ત વૃદ્ધાના પુત્રે જણાવ્યું કે મધરાતે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતાં દીપડો ત્યાંથી ભાગી ગયો, પરંતુ તેમની માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગ્રામજનોમાં ભયનો માહોલ, રાત્રિ દરમિયાન સતર્કતા વધારી

દીપડાના સતત હુમલાઓને કારણે જાંબુડી ગામ અને આસપાસના વિસ્તારોમાં ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે બાળકો, વૃદ્ધો અને પશુઓની સુરક્ષાને લઈને લોકોમાં ચિંતા વધી છે. ગામલોકોએ વન વિભાગ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને દીપડાની હિલચાલ પર સતત નજર રાખવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ડેડીયાપાડા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : ચૈતર વસાવાના પત્ની સહિત 6 આરોપીઓને નિયમિત જામીન

વન વિભાગે શોધખોળ તેજ કરી

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે વિસ્તારનું નિરીક્ષણ કરી દીપડાના પગલાં અને હિલચાલ અંગે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ સ્થાનિકોને એકલા બહાર ન નીકળવા, રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે. દીપડાને ઝડપથી પાંજરે પૂરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ વન વિભાગે જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now