Home Gujarat Gujarat High Court Bail Dediapada Case Chaitar Vasava

ડેડીયાપાડા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : ચૈતર વસાવાના પત્ની સહિત 6 આરોપીઓને નિયમિત જામીન

હાઇ કોર્ટ
Published by: Chintan Chavda
Last Updated: Jul 22, 2026, 10:29 AM IST

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં નોંધાયેલા ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સિવાય અન્ય છ આરોપીઓની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે. જ્યારે ચૈતર વસાવાની જામીન અરજી અંગે હાલ કોઈ રાહત આપવામાં આવી નથી અને તેઓ ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે.

હાઈકોર્ટના આદેશ મુજબ જામીન પર મુક્ત કરાયેલા આરોપીઓમાં રમેશભાઈ ગીમાભાઈ વસાવા, મરિયમબેન (પત્ની ઝવેરભાઈ ગંભીરભાઈ વસાવા), બલિરામ ઉસીંગભાઈ વસાવા, મોગરાબેન (પત્ની રમેશભાઈ ગીમાભાઈ વસાવા), શકુંતલાબેન @ સંકુતલાબેન (પત્ની બલિરામ ઉસીંગભાઈ વસાવા) અને શકુંતલાબેન (પત્ની ચૈતરભાઈ વસાવા)નો સમાવેશ થાય છે.

કયા કેસમાં નોંધાયો હતો ગુનો?

આ સમગ્ર મામલો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં જંગલ જમીનના ખેડાણ અને કથિત ખંડણીની માંગણી સંબંધિત કેસ સાથે જોડાયેલો છે. આ ઘટનાના અનુસંધાને પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં શંકાસ્પદ કટ્ટરપંથી સાહિત્ય મામલે 26 વર્ષીય મૌલાનાની ધરપકડ : અનધિકૃત મદરેસા અને ફંડિંગ એંગલની તપાસ તેજ

કેસ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાએ રાજ્યના રાજકારણમાં પણ ચર્ચા જગાવી હતી. વિરોધ પક્ષોએ આ કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે સત્તાધારી પક્ષે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ચૈતર વસાવાને રાહત નહીં

આજના આદેશમાં હાઈકોર્ટે અન્ય છ આરોપીઓને નિયમિત જામીન મંજૂર કર્યા છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જામીન મળ્યા નથી. પરિણામે તેઓ હાલ પણ ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે.

ચૈતર વસાવાની જામીન અરજી અંગે આગળ શું નિર્ણય આવે છે તેના પર રાજકીય અને કાનૂની વર્તુળોની નજર રહેશે. કેસની આગામી સુનાવણી દરમિયાન બંને પક્ષો પોતાની દલીલો રજૂ કરશે.

આ પણ વાંચો: ઘુમામાં દીપડાની શોધ દરમિયાન થર્મલ ડ્રોનમાં કેદ થઈ નીલગાય : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 30થી વધુ ટીમો સતત સર્વેલન્સમાં

આગામી કાનૂની પ્રક્રિયા પર નજર

હાઈકોર્ટના આદેશ બાદ અન્ય છ આરોપીઓની જામીન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેઓ નિર્ધારિત શરતોને આધીન મુક્ત થશે. બીજી તરફ ચૈતર વસાવાના કેસમાં આગામી કાનૂની કાર્યવાહી અને સુનાવણી મહત્વપૂર્ણ રહેશે.

આ કેસ શરૂઆતથી જ રાજકીય અને કાનૂની રીતે ચર્ચાનો વિષય રહ્યો છે. હવે આગળની સુનાવણીમાં હાઈકોર્ટ અથવા સંબંધિત અદાલત શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now