ભાવનગર શહેરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ કટ્ટરપંથી વિચારધારા સાથે સંબંધિત સાહિત્ય મળ્યાના આરોપસર 26 વર્ષીય મૌલાના મહમદસફીક અબ્બાસભાઈ મહેરીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી પાસેથી પોતાના હાથે લખાયેલું સાહિત્ય, લેટરપેડ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. આ આધારે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી ભાવનગર શહેરના સીદસર સ્થિત 25 વારિયા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હાથ ધરાયેલા કોમ્બિંગ અને કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીને વધુ પૂછપરછ માટે ડીએસપી કચેરી ખાતે લઈ જવાયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ ખાસ વાંચો : લો બોલો! જેને લોકો દીપડાનું બચ્ચું સમજતા હતા એ તો બિલાડી નીકળી : વાયરલ વીડિયો અંગે વન વિભાગે કરી મોટી સ્પષ્ટતા
'હોલ ઓફ ગવર્મેન્ટ' અભિગમ હેઠળ ઓપરેશન
ભાવનગર ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમના જણાવ્યા અનુસાર, 21 જુલાઈની સવારે જિલ્લાના વિવિધ વિભાગોને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં જિલ્લા પોલીસ ઉપરાંત એસઓજી, એલઆઈબી, વહીવટી તંત્ર, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા.
તપાસ દરમિયાન વિસ્તારમાં કેટલાક બાંધકામો અને ઉપયોગ અંગે ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક ધાર્મિક માળખામાં પૂછપરછ કરતાં ત્યાં હાજર મહમદસફીક અબ્બાસભાઈ મહેરીયા અંગે પોલીસને શંકા જતાં તેમના રહેઠાણની તલાશી લેવામાં આવી હતી.
પોલીસને શું મળ્યું?
પોલીસના જણાવ્યા મુજબ, તલાશી દરમિયાન પોતાના હાથે લખાયેલું સાહિત્ય, વિવિધ દસ્તાવેજો અને અન્ય લખાણો મળી આવ્યા હતા. પ્રાથમિક સ્તરે થયેલા અનુવાદ દરમિયાન કેટલાક લખાણોમાં અન્ય ધર્મોના દેવી-દેવતાઓ વિશે અપમાનજનક શબ્દો લખાયેલા હોવાનું તેમજ કેટલાક ભાગોમાં ધાર્મિક વિખવાદ અને ઉશ્કેરણીજનક વિચારો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જપ્ત કરાયેલા તમામ સાહિત્યનું ભાષાંતર, ફોરેન્સિક પરીક્ષણ અને કાનૂની વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ તેની સામગ્રી અંગે અંતિમ અને અધિકૃત નિષ્કર્ષ સામે આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં દીપડાની દહેશત : વન વિભાગે આપી ગાઈડલાઈન, જાણો દીપડો દેખાય તો શું કરવું
ફંડિંગ અને સંપર્કોની તપાસ
પૂછપરછ દરમિયાન પોલીસને એવી માહિતી પણ મળી હોવાનું જણાવાયું છે કે આરોપીને બે વ્યક્તિઓ દ્વારા આર્થિક સહાય મળતી હતી. આ ફંડિંગનો સ્ત્રોત, તેનો હેતુ અને તેની પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત હતું કે નહીં તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.
પોલીસ આરોપીના મોબાઇલ ફોન, દસ્તાવેજો, સંપર્કો અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરી રહી છે જેથી સમગ્ર નેટવર્ક અંગે સ્પષ્ટ માહિતી મેળવી શકાય.
અનધિકૃત મદરેસા ચલાવવાનો પણ આરોપ
પોલીસના જણાવ્યા મુજબ, મહમદસફીક મહેરીયા મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે. તેમણે વર્ષ 2023 દરમિયાન ભરૂચ જિલ્લાના જંબુસરમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2024માં ભાવનગર આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેઓ સીદસર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112માં અનધિકૃત રીતે મદરેસો ચલાવતા હતા અને એક વિશેષ સમુદાયના લોકોને ધાર્મિક શિક્ષણ આપતા હતા. પોલીસે દાવો કર્યો છે કે હાઉસિંગ બોર્ડની મિલકતનો આ પ્રકારના ધાર્મિક ઉપયોગ માટે કોઈ અધિકૃત પરવાનો નહોતો.
આ પણ વાંચો: ઘુમામાં દીપડાની શોધ દરમિયાન થર્મલ ડ્રોનમાં કેદ થઈ નીલગાય : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 30થી વધુ ટીમો સતત સર્વેલન્સમાં
કેસમાં તપાસ હજુ પ્રાથમિક તબક્કે
પોલીસે જણાવ્યું છે કે હાલનો કેસ તપાસના પ્રારંભિક તબક્કામાં છે અને હજુ અનેક મુદ્દાઓની ચકાસણી ચાલી રહી છે. જપ્ત કરાયેલા દસ્તાવેજોના સંપૂર્ણ અનુવાદ, ડિજિટલ ફોરેન્સિક તપાસ અને અન્ય એજન્સીઓ પાસેથી મળનારા ઇનપુટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓએ અપીલ કરી છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ પ્રકારના અફવા અથવા અપુષ્ટ માહિતી પર વિશ્વાસ ન કરવામાં આવે. કેસમાં તપાસ આગળ વધતાં વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.






