Home Gujarat Ahmedabad Surat Dcp Public Beating Case Gujarat High Court Suo Motu

સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટનું સુઓમોટો : DCP સહિત પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી મુદ્દે થશે સુનાવણી

ગુજરાત હાઈકોર્ટ
Published by: Vishal Dave
Last Updated: Jul 22, 2026, 09:54 AM IST

અમદાવાદ: સુરતમાં આરોપીઓને જાહેરમાં હાથકડી પહેરાવી રસ્તા પર ફેરવવા અને લાઠીઓથી માર મારવાના વિવાદાસ્પદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આ સમગ્ર મામલે સુઓમોટો (સ્વયં સંજ્ઞાન) અરજી દાખલ કરી છે. આ કાર્યવાહી હાઈકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા લખાયેલા પત્રના આધારે કરવામાં આવી છે. આ અરજીમાં સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) રાજદીપસિંહ નકુમ સહિત 15થી 20 પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે આ મામલે હાઈકોર્ટ ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરશે.

શું છે સમગ્ર મામલો?

14 જુલાઈ, 2026ના રોજ સુરતમાં બનેલી ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા તેમજ વિવિધ સમાચાર માધ્યમોમાં વાયરલ થયા હતા. વીડિયોમાં કેટલાક આરોપીઓને હાથકડી પહેરાવી જાહેર માર્ગો પર ફેરવવામાં આવતા જોવા મળ્યા હતા. સાથે જ આરોપીઓના વાળ ખેંચવા, થપ્પડ મારવા અને લાઠીઓ વડે માર મારવામાં આવતો હોવાના દાવા પણ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી અને પોલીસની કાર્યવાહીની કાયદેસરતા અંગે અનેક સવાલો ઊભા થયા હતા.

એડવોકેટે ચીફ જસ્ટિસને લખ્યો પત્ર

ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને પત્ર લખીને સમગ્ર ઘટનાની નોંધ લેવા અપીલ કરી હતી. પત્રમાં દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવે તે પહેલાં જ જાહેરમાં સજા આપવામાં આવી હોય તેવો સંદેશ સમાજમાં ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતી એજન્સી જ જો કાયદાની મર્યાદા ઓળંગે તો ન્યાયપ્રણાલી પર લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે.

DCP સહિત પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

અરજીમાં સુરત DCP રાજદીપસિંહ નકુમ સહિત 15થી 20 પોલીસ અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવવા અને ભવિષ્યમાં આવી પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાની પણ વિનંતી કરવામાં આવી છે.

હાઈકોર્ટ હવે કરશે સુનાવણી

ચીફ જસ્ટિસ દ્વારા આ મામલે સુઓમોટો અરજી નોંધાતા હવે ગુજરાત હાઈકોર્ટ સમગ્ર ઘટનાની કાયદાકીય દૃષ્ટિએ સમીક્ષા કરશે. આગામી સુનાવણી દરમિયાન હાઈકોર્ટ રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માંગે તેવી શક્યતા છે. નોંધનીય છે કે સુઓમોટો કાર્યવાહીનો અર્થ એ છે કે કોર્ટ કોઈ વ્યક્તિ દ્વારા નિયમિત અરજી દાખલ કર્યા વગર પણ જાહેર હિત અથવા બંધારણીય મુદ્દાને ધ્યાનમાં રાખીને પોતે જ કેસની સુનાવણી શરૂ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now