Home Gujarat Ahmedabad Amit Chavda Reaction Bjp Protest Neet Ahmedabad

'લાજવાના બદલે ગાજી રહ્યા છે' : ભાજપ પર અમિત ચાવડાનો આકરો પ્રહાર, NEET મુદ્દે સરકારને ઘેરી

અમિત ચાવડા
Published by: Chintan Chavda
Last Updated: Jul 22, 2026, 11:29 AM IST

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ ગુજરાત કોંગ્રેસે પણ ભાજપ અને કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના વિરોધને લઈને કહ્યું કે, "લાજવાના બદલે ગાજી રહ્યા છે." તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની સરકારના કાર્યકાળ દરમિયાન વારંવાર પેપર લીકની ઘટનાઓ બની છે અને આજે સરકાર જવાબદારી સ્વીકારવાને બદલે વિરોધ કરનારાઓને નિશાન બનાવી રહી છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ભારે રોષ છે. તેમના જણાવ્યા મુજબ લાખો પરીક્ષાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે અને આ જ કારણસર કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ કરી રહી છે.

'શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું જોઈએ'

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો કે પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ ડગમગી ગયો છે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સતત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે અને આ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ.

ચાવડાએ દાવો કર્યો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા તેને સ્વીકારવામાં આવી નહીં. તેમના કહેવા મુજબ, ત્યારબાદ કોંગ્રેસે વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: 'રાહુલ બાબા, શરમ કરો... શરમ કરો...' : અમદાવાદમાં ભાજપના ધરણા દરમિયાન જગદીશ વિશ્વકર્માનો કોંગ્રેસ પર આકરો પ્રહાર

દિલ્હીની કાર્યવાહી પર સરકારને ઘેરી

અમિત ચાવડાએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતાઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતાઓ સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની ચિંતાઓ સાંભળીને યોગ્ય પગલાં ભરવાના બદલે સરકાર વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે વિરોધ પ્રદર્શનને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો.

ગુજરાત ભાજપ પર પણ નિશાન

ચાવડાએ ગુજરાત ભાજપના નેતાઓને પણ નિશાન બનાવતાં કહ્યું કે જો તેઓ રાજ્યમાં અગાઉ થયેલી પેપર લીકની ઘટનાઓ વખતે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને મળ્યા હોત અથવા આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી આપી હોત તો લોકોમાં સારો સંદેશ ગયો હોત. તેમણે આરોપ લગાવ્યો કે આજે ભાજપ જવાબદારી સ્વીકારવાને બદલે વિરોધ કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ રાજ્યના દરેક વિસ્તારમાં જઈને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવશે અને તેમની લડત ચાલુ રાખશે. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના હિત માટે કોંગ્રેસ આગળ પણ આંદોલન ચાલુ રાખશે.

આ પણ વાંચો: ડેડીયાપાડા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : ચૈતર વસાવાના પત્ની સહિત 6 આરોપીઓને નિયમિત જામીન

ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ તેજ

NEET પરીક્ષાને લઈને દેશભરમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર વધુ તેજ બન્યો છે. એક તરફ ભાજપ કોંગ્રેસ પર રાજકીય લાભ લેવા માટે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી રહી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ સરકાર પર પરીક્ષા વ્યવસ્થામાં નિષ્ફળતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોની અવગણનાનો આરોપ મૂકી રહી છે.

આ મુદ્દે આગામી દિવસોમાં બંને પક્ષો દ્વારા વધુ કાર્યક્રમો યોજાય તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ રચાયેલા AI171 મેમોરિયલ ટ્રસ્ટને લઈને નવા સવાલો: યુકેથી આવેલા બે પીડિત પરિવારો ટ્રસ્ટીઓને મળવા અમદાવાદ પહોંચ્યા, ઓફિસમાં કોઈ પ્રતિનિધિ ન મળતાં આજે મીડિયા સમક્ષ કરશે રજૂઆત.

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ રચાયેલા AI171 મેમોરિયલ ટ્રસ્ટને લઈને નવા સવાલો