Home Gujarat Vikas Sahay Gets Six Month Extension As State Police Chief

અનેકના અરમાનો પર હાલ પૂરતું પાણી : 1989 બેચના IPS વિકાસ સહાય DGP તરીકે જારી રહેશે,સરકારે 6 માસનું આપ્યું એક્સટેન્શન

અનેકના અરમાનો પર હાલ પૂરતું પાણી
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 07:27 PM IST

લાંબા સમયથી જે ચર્ચા ચાલતી હતી તે આખરે થઈને રહ્યું 1989 બેચના IPS વિકાસ સહાયને સરકારે  6 માસનું એક્સટેન્શન આપી અનેકના અરમાનો પર પાણી ફેરવી દીધું છે. વિકાસ સહાય 30મી જૂનના રોજ વય નિવૃત્ત થવાના હોય લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી કે વિકાસ સહાયને એક્સટેન્શન મળશે કે પછી અન્ય કોઈ IPSને DGP બનાવવામાં આવશે? સાથેજ નવા DGP તરીકે અનેક નામો પણ ચર્ચામાં હતા પરંતુ આખરે વિકાસ સહાયને 6 માસનું એક્સટેન્શન મળતા હવે  ડિસેમ્બર સુધી વિકાસ સહાય DGP તરીકે જારી રહેશે. વિકાસ સહાયને એક્સટેન્શન મળતા તેઓની નજીકના IPS અને અન્ય પોલીસ અધિકારીઓ ગેલમાં આવી જાય તે સાવભવિક છે.

કેન્દ્ર સરકારની અપોઇન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા એક્સટેન્શનને બહાલી
સમગ્ર દિવસ સુધી ચર્ચા ચાલુ રખાયા બાદ રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા એક્સટેન્શન ને બહાલી આપતો આદેશ જારી કર્યો હતો. કેન્દ્ર સરકારની અપોઇન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા વિકાસ  સહાયને 6 માસનું એક્સટેન્શન આપવાને મંજૂરી આપી હતી. ગૃહ વિભાગ દ્વારા વિકાસ સહાયને 6 માસનું એક્સટેન્શન આપવા કરાયેલી દરખાસ્તને કેન્દ્ર સરકારની અપોઇન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી

વિકાસ સહાયની ઉપલબ્ધિ શું?
વિકાસ સહાય DGP બન્યા તે પૂર્વે સરકારની નજીક નહોતા પરંતુ DGP બન્યા પછી વિકાસ સહાયે સરકાર અને ગૃહ વિભાગની ઈચ્છા મુજબના એ તમામ ઓપરેશન પાર પાડયા કે જેના લીધે સરકારના દિગ્ગજો ઉપર સુધી વાહવાહી મેળવી શકે. જેમાં કુખ્યાત ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી, ગુનેગારોની મિલકતો પર બુલડોઝર એક્શન, બાંગલાદેશીઓને રાજ્યમાંથી હાંકી કાઢવા માટે રાજ્યવ્યાપી કાર્યવાહી અને અમદાવાદમાં સૌથી મોટા માથાના દુખાવા સમાન ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસાહતો અને બાંગલાદેશીઓની વસાહતો પર સામૂહિક બુલડોઝર ફેરવી રાષ્ટ્રવ્યાપી પ્રસિધ્ધિ અને શાબાશી મેળવી હતી.
“તેરા તુઝ કો અર્પણ” અને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી
વિકાસ સહાય રાજ્ય પોલીસ વડા બન્યા ત્યાર પછી બે મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપ્યું હતું એક તો વ્યાજખોરો ની વધતી દાદાગીરી અંકુશમાં લેવા માટે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ કરી અનેક કુખ્યાત વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા અને બીજો મુદ્દો “તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ” ચોરી લૂંટ કે પછી એવીજ કોઈ ઘટનાઓમાં કબજે લેવાયેલ મુદ્દામાલ ફરિયાદીને પરત મેળવવામાં વર્ષો વીતી જતા હતા અથવા કેટલાક કિસ્સાઓમાં તો કોઈ મુદ્દામાલ મળતોજ નહોતો ત્યારે ડીજીપીએ કાનૂની પ્રક્રિયા અનુસરીને રોકડ રકમ,સોના ચાંદીના દાગીના, મોબાઈલ કે વાહનો જેવી કીમતી વસ્તુઓ ફરિયાદી કે મૂળ માલિકને શક્ય હોય એટલી વહેલી તકે પરત મળી રહે તે માટે “તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ”ની શરૂઆત કરી અને રાજ્ય ભરના સ્થાનિક પોલીસ વડાઓને આ બાબતે ઝડપ થી કાર્યવાહી માટે આદેશો પણ આપ્યા હતા
વિકાસ સહાય સચિવાલયમાં દેખાતાજ અટકળો તેજ થઈ હતી
વિકાસ સહાય નિવૃત્તિના દિવસે બપોરે સચિવાલયમાં દેખાયા હતા,અને પોતાના સ્વભાવ મુજબ ખુશખુશાલ બહાર આવતા દેખાતા એ અટકળો તેજ બની હતી કે વિકાસ સહાયને એક્સટેન્શન મળી ચૂક્યું છે. જોકે સાંજે સત્તાવાર ઓર્ડર જારી ના થયો ત્યાર સુધી અનેક પ્રકારની અટકળો વહેતી રહી હતી.
વિદાય માટે તૈયારીઓ થઈ ચૂકી હતી.


DGP વિકાસ સહાયને ભવ્ય વિદાય આપવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી, શમિયાણું બંધાઈ ચૂક્યું હતું,સુશોભન થઈ ચૂક્યું હતું,પરંપરા મુજબ વિદાય આપવા માટે સંબંધિત સ્ટાફને તમામ સૂચનાઓ અપાઈ ચુકી હતી અને બીજી બાજુ એક્સટેન્શન મેળવવાની કવાયત ચાલી રહી હતી.અને આખરે સાંજે એક્સટેન્શનનો ઓર્ડર જાહેર થઈ ગયો

અનેક દિગ્ગજોના નામોની ચર્ચા વચ્ચે ફરી ફાવી ગયા સહાય
વિકાસ સહાય નિવૃત્ત થયા પછી DGP કોણે બનાવવામાં આવશે તે મુદ્દે ભારે ચર્ચા ચાલી હતી અને અનેક નામો ચર્ચામાં હતા. જેમાં સૌથી વધુ ચર્ચાતું નામ અમદાવાદના પોલીસ કમિશ્નર જી એસ મલિકનું અને ત્યાર બાદ રાજ્યની જેલોના વડા ડો કે એલ એન રાવનું હતું. સાથેજ 1991 બેચના મનોજ અગ્રવાલ અને 1993 બેચના ડો નિરજા ગોટરુનું નામ પણ ચર્ચામાં હતું..
વિકાસ સહાય પછી ડો શમશેર સિંહજ DGP પદના હક્કદાર હતા


વિકાસ સહાય પછી DGP પદ માટે આમ તો 1991 બેચના IPS ડો શમશેર સિંહ હક્કદાર હતા,પરંતુ IPSની એક ચોક્કસ લોબી નહોતી ઇચ્છતી કે તેઓ DGP બને,કારણ કે જો ડો શમશેર સિંહ DGP બની જાય તો ઘણા પોલીસ અધિકારીઓ અને તેઓના રાજકીય આકાઓના હિતો જોખમાઈ શકે એમ હતા. વડોદરા પોલીસ કમિશ્નર પછી ડો શમશેર સિંહ રાજકોટ પોલીસ કમિશ્નર બને તેવી પ્રબળ શક્યતા હતી,અને ત્યાર બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકેની પણ સંભાવનાઓ સર્જાઇ હતી જોકે રાજ્ય સરકારે ગુજરાતમાં ઉપલબ્ધ કોઈ સિનિયર IPSને અમદાવાદ પોલીસ કમિશ્નર બનાવવાની જગ્યાએ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ભોગવી રહેલા જી એસ મલિકને ગુજરાત લાવી તેઓને સીધા પોલીસ કમિશ્નર બનાવી દીધા હતા. અને ત્યાર બાદ થોડા સમય પછી ડો શમશેર સિંહને સીધા BSFમાં ડેપ્યુટેશન પર લઈ જવામાં આવ્યા.
લાંબા સમય સુધી રાહ જોયા પછી અધિકારીઓ પોલીસભવન થી રવાના થયા


ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી કે 1989 બેચના IPS વિકાસ સહાય નિવૃત્ત થયા પછી તેઓને ત્રણ માસનું એક્સટેન્શન મળી શકે છે. પરંતુ બીજી બાજુ સાથે સાથે ત્રણ દિવસથી વિકાસ સહાયના ભવ્ય વિદાય સમારંભની તૈયારીઓ પણ ચાલી રહી હતી, વિદાય સલામી આપવા માટે હાજર સ્ટાફ અને અધિકારીઓ તથા મિડિયા ટીમોએ સાંજ સુધી રાહ જોઈ પરંતુ 6.30 સુધી કોઈ સત્તાવાર ઓર્ડર જારી નહીં થતાં પોલીસ ભવનમાં હાજર તમામ અધિકારીઓ વારાફરતી રવાના થયા હતા ખુદ DGP વિકાસ સહાય અને ડો કે એલ એન રાવ પણ સાંજ પછી પોલીસ ભવનથી રવાના થયા હતા,પોલીસ ભવનથી રવાના થતી વખતે વિકાસ સહાયને પૂછવામાં આવ્યું તો તેઓ માત્ર એટલુંજ બોલ્યા કે “ઓર્ડરની રાહ જુઓ”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now