Home Gujarat Verdict In Baranpura School Murder Case In Vadodara

વડોદરામાં બરાનપુરા સ્કૂલ હત્યા કેસમાં ચુકાદો : સગીર આરોપીને આજીવન કેદ, 10 હજારનો દંડ

વડોદરામાં બરાનપુરા સ્કૂલ હત્યા કેસમાં ચુકાદો
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 12:27 PM IST

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં વર્ષ 2018માં થયેલી કરૂણ ઘટનાનો ચુકાદો ચિલ્ડ્રન કોર્ટે આપ્યો છે. ધોરણ-9માં નવા દાખલ થયેલા 14 વર્ષના વિદ્યાર્થી દેવકિશન ભગવાનદાસ તડવીની શાળાની અંદર છરીના 30થી વધુ ઘા મારીને હત્યા કરવાના કેસમાં સગીર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે આરોપી પર રૂ.10 હજારનો દંડ પણ લાદ્યો છે. દંડ ન ભરાય તો વધુ છ મહિનાની સાદી કેદની જોગવાઈ પણ કરાઈ છે.

બરાનપુરા સ્કૂલ હત્યા કેસમાં ચુકાદો

આ ઘટના 22 જૂન 2018ના રોજ બની હતી. દેવ તડવીએ શાળામાં માત્ર બે દિવસ પહેલાં જ ધોરણ-9માં પ્રવેશ લીધો હતો. ઘટનાના દિવસે સવારની પાળી છૂટતી અને બપોરની પાળી શરૂ થતી હોવાથી શાળામાં ભારે અવરજવર હતી. એ દરમિયાન શાળાના શૌચાલયમાંથી અચાનક ચીસાચીસ સંભળાતા શિક્ષકો દોડી ગયા હતા. ત્યાં દેવ તડવી લોહીલુહાણ હાલતમાં પડેલો મળી આવ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને શાળામાં લાગેલા આઠ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. ફૂટેજમાં પહેલા બે વિદ્યાર્થીઓ દોડતા બહાર નીકળતા અને ત્યારબાદ હાથમાં લોહી લાગેલો છરો લઈને એક સિનિયર વિદ્યાર્થી બહાર દોડતો જોવા મળ્યો હતો. એક શિક્ષકે આ વિદ્યાર્થીને ધોરણ-10માં ભણતા સગીર તરીકે ઓળખ્યો હતો.

સગીર આરોપીને આજીવન કેદ, 10 હજારનો દંડ

તપાસમાં ખુલ્યું કે વર્ગશિક્ષક દ્વારા ઠપકો મળતા આરોપી વિદ્યાર્થીએ શાળામાં રજા પડે તે હેતુથી, તેને ઓળખતા પણ ન હોય તેવા દેવ તડવીને નિશાન બનાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ઘટના સમયે આરોપીની ઉંમર માત્ર 16 વર્ષની હોવા છતાં તેણે ગુનાની ગંભીરતા, પરિણામ અને તેની અસર સમજીને અત્યંત ક્રૂર કૃત્ય કર્યું છે. ફરિયાદી પક્ષના વકીલ પી.સી. પટેલે કોર્ટમાં દલીલ કરી હતી કે આવા ગુનામાં હળવાશ રાખી શકાય નહીં. ચિલ્ડ્રન કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીને દોષિત ઠેરવી કડક સજા સંભળાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર