Home Gujarat Veraval Smc Raid Attack Police Action Pi Psi Leave Reserve

વેરાવળમાં SMC ટીમ પર હુમલા બાદ મોટી કાર્યવાહી : 2 PI અને 3 PSI લીવ રિઝર્વમાં, DYSPની અધ્યક્ષતામાં SITની રચના

smc એ પકડેલા આરોપીઑ
Published by: Chintan Chavda
Last Updated: Jul 12, 2026, 05:05 AM IST

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હિંસક હુમલાના મામલામાં રાજ્ય પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. દરોડા દરમિયાન બનેલી ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અધિકારીઓની કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક સ્તરે ફરજમાં બેદરકારીના આક્ષેપોને આધારે બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ માટે DYSPની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની કામગીરી, ગુપ્ત માહિતીનું સંકલન, દરોડા સમયે સુરક્ષા વ્યવસ્થા અને ઘટના સમયે લેવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે.

5 પોલીસ અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી

પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી હેઠળ LCBના ઇન્ચાર્જ PI એસ.વી. રાજપૂત, વેરાવળ સિટી PI જે.એન. ગઢવી, LCBના PSI એચ.એલ. જેબલિયા, PSI એ.સી. સિંધવ તેમજ રામભરોસા પોલીસ ચોકીના PSI પ્રજાપતિને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. એકસાથે પાંચ અધિકારીઓ સામે લેવાયેલા આ પગલાં બાદ ગીર સોમનાથ પોલીસ વિભાગમાં ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરીને આગળની શિસ્તભંગની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરામાં બાળકોના સામાન્ય ઝઘડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ : સોસાયટીના પ્રમુખને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવાતા ચકચાર

દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયો હતો હુમલો

આ સમગ્ર ઘટના 8 જુલાઈના રોજ વેરાવળમાં બની હતી, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે કથિત જુગાર ક્લબ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. પરિસ્થિતિ બેકાબૂ બનતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલા PSIએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારબાદ વધારાની પોલીસ ફોર્સને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.

40 નામજોગ સહિત 200 લોકો સામે ગુનો

ઘટના બાદ પોલીસે 40 નામજોગ વ્યક્તિઓ ઉપરાંત અંદાજે 200 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ, સરકારી કર્મચારીઓ પર હુમલો તેમજ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં અનેક મહિલા અને પુરુષ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી 21 આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે તમામ આરોપીઓના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી ઘટનાની વધુ વિગતવાર તપાસ થઈ શકે.

આ પણ વાંચો: અમદાવાદમાં આજે અમિત શાહ આપશે 188 પરિવારોને મોટી ભેટ : ₹60.68 કરોડના આવાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ

પોલીસે જણાવ્યું છે કે ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. CCTV ફૂટેજ, મોબાઇલ ડેટા અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ દરમિયાન જે પણ વ્યક્તિની સંડોવણી સામે આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, DYSPની અધ્યક્ષતામાં રચાયેલી SIT સ્થાનિક પોલીસની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમની અલગથી તપાસ કરશે. આ ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ કામગીરી અંગે ચર્ચા તેજ બની છે. હાલ બંને તપાસ - ફોજદારી તપાસ અને વિભાગીય તપાસ - ચાલુ હોવાથી સમગ્ર મામલે આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now