ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)એ રાષ્ટ્રગીત 'વંદે માતરમ' અને રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. છેલ્લા પાંચ મહિનામાં બીજી વખત કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો માટે આ સંબંધિત સૂચનાઓ બહાર પાડી છે. 9 જુલાઈના રોજ જાહેર કરાયેલા નવા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કયા સરકારી અને ઔપચારિક કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાવા અથવા વગાડવા ફરજિયાત રહેશે તેમજ જો બંને રજૂ કરવામાં આવે તો સૌપ્રથમ 'વંદે માતરમ' અને ત્યારબાદ 'જન ગણ મન' રજૂ કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ સમગ્ર દેશમાં એકસરખો પ્રોટોકોલ અમલમાં આવે અને બંને રાષ્ટ્રીય પ્રતિકોનું ગૌરવ અને સન્માન જળવાઈ રહે તેવો છે.
કયા કાર્યક્રમોમાં ગવાશે 'વંદે માતરમ' અને 'જન ગણ મન'?
ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાષ્ટ્રગીત 'વંદે માતરમ' નાગરિક સન્માન સમારોહો, રાષ્ટ્રપતિના ઔપચારિક સરકારી કાર્યક્રમો, કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમો તેમજ રાષ્ટ્રપતિના આગમન અને વિદાય સમયે ગવાશે અથવા વગાડાશે. ઉપરાંત જ્યારે રાષ્ટ્રપતિ ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) અથવા ટેલિવિઝન મારફતે દેશને સંબોધન કરશે ત્યારે તેમના સંબોધન પહેલાં અને પછી પણ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવશે. રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ પોતાના રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાતા ઔપચારિક કાર્યક્રમોમાં હાજરી આપે ત્યારે તેમના આગમન અને વિદાય સમયે પણ આ જ પ્રોટોકોલ લાગુ પડશે. પરેડ દરમિયાન જ્યારે રાષ્ટ્રીય ધ્વજ લાવવામાં આવે ત્યારે પણ રાષ્ટ્રગીત વગાડવાની જોગવાઈ કરવામાં આવી છે.
ઉચ્ચારણ અને શબ્દોમાં ભૂલ નહીં ચાલે
ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં ખાસ ભાર મૂક્યો છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાતા અથવા વગાડતા સમયે તેમના મૂળ શબ્દો અને યોગ્ય ઉચ્ચારણનું કડક પાલન કરવું જરૂરી રહેશે. આ માટે મંત્રાલયે પોતાની સત્તાવાર વેબસાઇટ પર સચોટ શબ્દો અને ઉચ્ચારણ માટે માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ કરાવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર દ્વારા ખાસ આદેશ આપવામાં આવે તેવા અન્ય પ્રસંગોએ પણ રાષ્ટ્રગીત રજૂ કરી શકાય છે. કેટલાક રાજ્યોમાં રાજ્યગીત પણ ગવાતું અથવા વગાડાતું હોવાથી સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યગીત સાથે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને રજૂ કરવામાં આવે તો પ્રથમ 'વંદે માતરમ' અને ત્યારબાદ 'જન ગણ મન' રજૂ કરવું ફરજિયાત રહેશે.
જાન્યુઆરીમાં પણ બહાર પાડવામાં આવી હતી માર્ગદર્શિકા
આ પહેલા 28 જાન્યુઆરીએ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીતને લઈને પ્રથમ સત્તાવાર પ્રોટોકોલ જાહેર કર્યો હતો. તેમાં રાષ્ટ્રપતિના આગમન, તિરંગા ધ્વજ ફરકાવવાના કાર્યક્રમો, રાજ્યપાલોના સંબોધન સહિતના વિવિધ સરકારી કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ના છ અંતરા ગાવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેનો સમયગાળો અંદાજે 3 મિનિટ 10 સેકન્ડનો રહેશે. તે માર્ગદર્શિકામાં પણ સ્પષ્ટ જણાવાયું હતું કે જ્યાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને રજૂ કરવામાં આવે ત્યાં પહેલા 'વંદે માતરમ' અને ત્યારબાદ 'જન ગણ મન' ગવાશે અથવા વગાડાશે. ઉપરાંત જ્યાં રાષ્ટ્રગીત ગવાય ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ સાવધાનની સ્થિતિમાં ઊભા રહીને સંપૂર્ણ સન્માન દર્શાવવું પડશે.
'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠની ઉજવણી
કેન્દ્ર સરકાર હાલમાં 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે એવા તમામ પ્રસંગોની સંપૂર્ણ યાદી તૈયાર કરવી શક્ય નથી જ્યાં રાષ્ટ્રગીતનું સત્તાવાર સ્વરૂપ ગાઈ શકાય, પરંતુ સામૂહિક રીતે 'વંદે માતરમ' ગાવા અંગે કોઈ વાંધો નથી, શરતે કે તે માતૃભૂમિના સન્માન અને ગૌરવને અનુરૂપ રીતે ગવાય. સરકારનું માનવું છે કે આ ગીતે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશભક્તિની ભાવના જગાડવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી અને તેથી તેને વિશેષ સન્માન મળવું જોઈએ.
બંધારણમાં શું નક્કી કરવામાં આવ્યું હતું?
ભારતની બંધારણસભાએ 24 જાન્યુઆરી, 1950ના રોજ પસાર કરેલા ઠરાવમાં 'જન ગણ મન'ને ભારતનું સત્તાવાર રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યું હતું અને જરૂરિયાત મુજબ સરકારને તેના શબ્દોમાં સમયાંતરે ફેરફાર કરવાની સત્તા પણ આપવામાં આવી હતી. બીજી તરફ 'વંદે માતરમ', જેણે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં પ્રેરણાસ્ત્રોત તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેને 'જન ગણ મન' જેટલું જ સન્માન અને સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો. નવા આદેશ દ્વારા કેન્દ્ર સરકારે ફરી સ્પષ્ટ કર્યું છે કે બંને રાષ્ટ્રીય પ્રતિકોનું ગૌરવ જાળવવું દરેક સરકારી સંસ્થા અને નાગરિકની જવાબદારી છે અને જાહેર કાર્યક્રમોમાં એકસરખી પ્રક્રિયાનું પાલન થવું જરૂરી છે.





