IPL 2026 : IPL 2026 ની સિઝન અત્યારે તેના ચરમસીમા પર છે અને દરરોજ નવા રેકોર્ડ્સ સર્જાઈ રહ્યા છે. પરંતુ મેદાન પરની રમતની સાથે સાથે હવે ખેલાડીઓ અને કોચ વચ્ચેના વાકયુદ્ધે પણ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. ખાસ કરીને રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી અને સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર પ્રફુલ હિંગે વચ્ચેનો વિવાદ હવે એક નવા સ્તરે પહોંચ્યો છે, જેને આગામી 25 એપ્રિલની મેચને હાઇ-વોલ્ટેજ ડ્રામામાં ફેરવી દીધી છે.
વિવાદનું મુખ્ય કારણ
આ સમગ્ર વિવાદનું મૂળ 13 એપ્રિલના રોજ રમાયેલી રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની પ્રથમ મેચમાં રહેલું છે. આ મેચમાં હૈદરાબાદ તરફથી ડેબ્યુ કરી રહેલા યુવા બોલર પ્રફુલ હિંગેએ બધાને ચોંકાવી દીધા હતા. તેને મેચના પહેલા જ બોલ પર રાજસ્થાનના મુખ્ય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આઉટ કરીને પેવેલિયન ભેગો કરી દીધો હતો. એક ડેબ્યુટન્ટ બોલર દ્વારા આ રીતે લાઇમલાઇટમાં રહેલા બેટ્સમેનને પહેલા જ બોલે આઉટ કરવો એ મોટી ઘટના હતી, જેનાથી પ્રફુલ હિંગે રાતોરાત ચર્ચામાં આવી ગયો હતો.
કોચ મનીષ ઓઝાનો રોષ
વૈભવ સૂર્યવંશીની આ રીતે આઉટ થવાની ઘટના બાદ તેના કોચ મનીષ ઓઝા ભારે અકળાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે પ્રફુલ હિંગેએ એવો દાવો કર્યો કે, આ વિકેટ કોઈ નસીબ નહીં પણ તેની પૂર્વ-આયોજિત રણનીતિનું પરિણામ હતું, ત્યારે કોચ ઓઝાનો પિત્તો ગયો હતો. તેમણે પ્રફુલ હિંગેના આત્મવિશ્વાસભર્યા નિવેદન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ક્રિકેટના મેદાન પર મોટી વાતો કરવા કરતાં પરફોર્મન્સ કરવું વધુ જરૂરી છે. ઓઝાએ સ્પષ્ટ કર્યું છે કે, 25 એપ્રિલના રોજ જયપુરના મેદાન પર કંઈક 'મોટું' થશે, જે સીધો સંકેત આપે છે કે, તેમનો શિષ્ય વૈભવ સૂર્યવંશી આ અપમાનનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે.
25 એપ્રિલની રણનીતિ
આગામી 25 એપ્રિલના રોજ જ્યારે આ બંને ટીમો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર ફરી સામસામે આવશે, ત્યારે તે માત્ર બે ટીમો વચ્ચેની લડાઈ નહીં હોય. આ મેચ હવે વૈભવ અને પ્રફુલ વચ્ચેનો વ્યક્તિગત જંગ બની ગઈ છે. કોચ મનીષ ઓઝાએ જાહેરાત કરી છે કે, તેઓ આ મેચ જોવા માટે પોતાના તમામ અંગત કામ પડતા મૂકી દેશે. તેમને પૂરો ભરોસો છે કે, વૈભવ આ વખતે હિંગેની બોલિંગ પર આક્રમક શોટ્સ ફટકારીને પાછલી હારનો હિસાબ વ્યાજ સાથે બરાબર કરશે. ક્રિકેટના નિષ્ણાતો પણ આ મુકાબલાને જોવા માટે આતુર છે.
હોમ એડવાન્ટેજ અને જંગ
આ મેચ જયપુરમાં રમાવાની હોવાથી વૈભવ સૂર્યવંશીને 'હોમ ગ્રાઉન્ડ' નો મોટો ફાયદો મળશે. પોતાના ઘરના મેદાન પર અને સ્થાનિક પ્રેક્ષકોના સપોર્ટ વચ્ચે વૈભવ વધુ આત્મવિશ્વાસથી રમી શકશે. જો તે પ્રફુલ હિંગે સામે પ્રભુત્વ જમાવવામાં સફળ રહેશે, તો તે તેના કોચની વાતને સાચી સાબિત કરશે. બીજી તરફ, જો પ્રફુલ ફરી એકવાર વૈભવને જાળમાં ફસાવવામાં સફળ રહ્યો, તો તે સાબિત થઈ જશે કે, તેની પાસે માત્ર આત્મવિશ્વાસ જ નહીં પણ અદભૂત કૌશલ્ય પણ છે.





