વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં પ્રચાર દરમિયાન થયેલા હિંસક ઘર્ષણનો મામલો હવે એક નવા વળાંક પર આવી પહોંચ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર કરવામાં આવેલા હુમલાના ગંભીર આક્ષેપો બાદ હવે ભાજપના ઉમેદવારે મૌન તોડ્યું છે. ભાજપના ઉમેદવારે વળતો પ્રહાર કરતા કોંગ્રેસના આક્ષેપોને તદ્દન પાયાવિહોણા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું ગતકડું ગણાવ્યું છે. આ વિવાદને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે.
ભાજપના ઉમેદવારે દાવો કર્યો છે કે હુમલાની ઘટના સમયે તેઓ સ્થળ પર હાજર જ નહોતા અને આ બધું માત્ર સહાનુભૂતિ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. પોતાની વાતની સત્યતા સાબિત કરવા માટે ભાજપ દ્વારા વિસ્તારના મહત્વના CCTV ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાએ ચૂંટણી પહેલા વડોદરાના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપની નવી જંગ છેડી દીધી છે.
“ઘટનાસ્થળે હું હાજર જ નહોતો”: ભાજપ ઉમેદવારની સફાઈ
મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરતા ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા જે સમય અને સ્થળનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે સમયે તેઓ અન્ય વિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "કોંગ્રેસને અત્યારથી જ પોતાની હાર દેખાઈ રહી છે, તેથી લોકોની નજરમાં આવવા માટે આ પ્રકારના ખોટા વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. અમે પોલીસને તમામ પુરાવા અને CCTV ફૂટેજ આપી દીધા છે જે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે."
આ પણ વાંચો: વડોદરામાં ‘બેનર વોર’ : અશાંત ધારો લાગુ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર, રહીશોએ સરકાર સામે ખર્ચ્યું છેલ્લું શસ્ત્ર
કોંગ્રેસના ઉમેદવારના પુત્ર પર વળતો આક્ષેપ: બેનરો ફાડ્યાનો આરોપ
આ વિવાદમાં ભાજપે પણ આક્રમક વલણ અપનાવતા કોંગ્રેસના ઉમેદવારના પુત્ર અને તેમના સમર્થકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના અગ્રણીઓના જણાવ્યા મુજબ, હુમલો ભાજપે નહીં પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો હતો. ભાજપના બેનરો ફાડી નાખવામાં આવ્યા અને વિવાદ વધારવા માટે જાણીજોઈને ઘર્ષણ ઉભું કરવામાં આવ્યું હતું. ભાજપની છબી ખરડવા માટે જ આયોજનબદ્ધ રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો પણ ભાજપ તરફથી કરવામાં આવ્યો છે.
બેનર લગાવવા મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો
વોર્ડ નંબર 15 માં આ સમગ્ર બબાલના મૂળમાં 'પ્રચારના બેનરો' હોવાનું સામે આવ્યું છે. કયા પક્ષનું બેનર ક્યાં લાગશે અને કોણે કોનું બેનર હટાવ્યું તે મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી બંને પક્ષો વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું. આ મામલે થયેલી ઉગ્ર બોલાચાલીએ અંતે હિંસક વળાંક લીધો હતો. ભાજપના મતે તેઓ કાયદેસર રીતે અને નિયમો મુજબ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ દ્વારા તેમના કાર્યકર્તાઓને વારંવાર ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને તપાસનો ધમધમાટ
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ હરકતમાં આવ્યો છે. બંને પક્ષોની સામસામી રજૂઆતો બાદ પોલીસે CCTV ફૂટેજની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી છે. ચૂંટણીના માહોલમાં ફરી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે વોર્ડ નંબર 15 ના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ હાઈપ્રોફાઈલ વિવાદની સીધી અસર આવનારા દિવસોમાં વોટિંગ પેટર્ન પર જોવા મળી શકે છે.





