Vadodara Free Education: શિક્ષણના અધિકાર (RTE) કાયદા હેઠળ આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને શહેરની પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં મફત પ્રવેશ અપાવવા માટે વડોદરામાં વહીવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બને તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવેશ પ્રક્રિયા અને સમયપત્રક
વાલીઓ આગામી 4 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર જઈને ફોર્મ ભરી શકશે. આ સમયગાળા દરમિયાન મળેલી અરજીઓની ચકાસણી બાદ મેરિટ અને નિયમોના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. ગત વર્ષે વડોદરા જિલ્લામાં કુલ 4,762 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપીને તેમના શિક્ષણનું સપનું સાકાર કરવામાં આવ્યું હતું.
આ રીતે ભરો ફોર્મ?
વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઈન નંબર 0265-2461703 કાર્યરત કરવામાં આવ્યા છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન: વાલીઓએ RTE ના સત્તાવાર પોર્ટલ પર જઈને બાળકની વિગતો સાથે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
દસ્તાવેજોની તૈયારી: ફોર્મ ભરતી વખતે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/આધારકાર્ડ), આવકનો દાખલો અને જાતિનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
શાળાની પસંદગી: વાલીઓએ પોતાના રહેઠાણથી 0 થી 6 કિમીના અંતરમાં આવતી શાળાઓની પસંદગી ક્રમ મુજબ કરવાની રહેશે.
ચકાસણી: ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લેવી અને ઓનલાઈન સબમિટ થયાની ખાતરી કરવી.
કોને મળશે અગ્રતા?
આ યોજનામાં અનાથ બાળકો, સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, બાળગૃહના બાળકો તેમજ બાળમજૂરો કે સ્થળાંતરિત મજૂરના બાળકોને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી કે એટીઆર જેવી ગંભીર બીમારી ધરાવતા બાળકો અને શહીદ થયેલા જવાનોના સંતાનોને પણ આ યોજનાનો સીધો લાભ મળશે.
મહત્વની વાત એ છે કે આ પ્રવેશ માત્ર સ્ટેટ બોર્ડની શાળાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ શહેરની પ્રતિષ્ઠિત CBSE અને IB બોર્ડની શાળાઓમાં પણ નિયમ મુજબ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવશે.





