વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોની સંભવિત મુલાકાતને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના માર્ગોને નવો ઓપ આપવા અને સ્વચ્છતા જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ કરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, VUDA, જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીના સંયુક્ત સંકલન સાથે કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
એરપોર્ટથી હાઈવે સુધીના માર્ગોનું નિરીક્ષણ
મ્યુનિસિપલ કમિશનરે આજે એરપોર્ટ સર્કલથી લઈને હાઈવે સુધીના મુખ્ય માર્ગોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓને રસ્તાઓના લેવલિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને જરૂરી પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી છે. વડાપ્રધાનના પ્રવાસના રૂટ પર આવતા તમામ રસ્તાઓને સુવિધા સજ્જ કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે આંતર-વિભાગીય સંકલન સાધવામાં આવ્યું છે જેથી કામગીરીમાં કોઈ વિલંબ ન થાય.

'વન ડે વન રોડ' અભિયાન હવે ઝોન વાઈઝ ચલાવાશે
વડોદરામાં અત્યાર સુધી ચાલી રહેલા 'વન ડે વન રોડ' સફાઈ અભિયાનને હવે વધુ વેગ આપવામાં આવશે. કમિશનરે જાહેરાત કરી છે કે, આ સફાઈ અભિયાનને હવે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં વ્યાપક બનાવવામાં આવશે. આ અભિયાન હેઠળ દરેક ઝોનના મુખ્ય માર્ગોને એકસાથે સ્વચ્છ કરવામાં આવશે. માત્ર સફાઈ જ નહીં પરંતુ શહેરના હેરીટેજ સ્ટ્રક્ચર્સ અને તળાવોની આસપાસ પણ વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નજીવી બાબતે આધેડ પર હિંસક હુમલો : 4 શખ્સે તલવાર-છરીથી કર્યું આક્રમણ
નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ
મ્યુનિસિપલ કમિશનરે વડોદરાના જનતાને પણ આ અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "શહેર આપણું છે અને તેને સુંદર રાખવાની જવાબદારી પણ આપણી છે." તેમણે લોકોને ગમે ત્યાં કચરો ન ફેંકવા અને તંત્રને સ્વચ્છતા જાળવવામાં 100% સહકાર આપવા અપીલ કરી છે. ખાસ કરીને જે લોકો જાહેર માર્ગો પર કચરો ફેંકે છે તેમને વિનંતી કરી છે કે તેઓ સ્વચ્છતાનું મહત્વ સમજી શહેરને સુંદર બનાવવામાં મદદરૂપ થાય.





