Home Gujarat Vadodara Passengers Return From Dubai Via Mumbai Due To Flight Cancellations And Local Mp Inaction

‘ક્રેડાઈની છત્રછાયામાંથી બહાર નીકળો તો પ્રજાના કામ કરી શકશો’ : મોંઘી ટિકિટો અને મિસાઈલ એટેકના ડર વચ્ચે આખરે દુબઈમાં ફસાયેલા વડોદરાવાસીઓ પરત ફર્યા

‘ક્રેડાઈની છત્રછાયામાંથી બહાર નીકળો તો પ્રજાના કામ કરી શકશો’
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 10:30 AM IST

દુબઈમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓ માટે વડોદરાના સાંસદની મદદની આશા ઠગારી નીવડી છે. 21મી ફેબ્રુઆરીએ ગ્રુપ ટૂરમાં દુબઈ ફરવા ગયેલા વડોદરાના નાગરિકો ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ એટેકને કારણે ત્યાં જ અટવાઈ પડ્યા હતા. 28મી ફેબ્રુઆરીએ પરત ફરવાનું હોવા છતાં એરપોર્ટ બંધ થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે, સ્થાનિક સાંસદ તરફથી કોઈ સચોટ પ્રતિસાદ કે મદદ ન મળતા, આ પ્રવાસીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર' બનવાના સૂત્રને અપનાવી પોતે જ પ્રયાસો કરીને સ્વદેશ પરત ફરવું પડ્યું છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિ તરફથી એડવોકેટ શૈલેશ અમીને એક યાદીમાં જણાવ્યું છે કે, દુબઈમાં ફસાયેલા લોકોની વિગતો સાંસદે જાહેર કરેલા વોટ્સએપ નંબર પર આઠ દિવસ પહેલા જ મોકલી આપવામાં આવી હતી. તેમ છતાં સાંસદ તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહોતો. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો છે કે સાંસદની કાર્યક્ષમતાના અભાવે તેમણે ત્યાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ગુજરાતની ફ્લાઈટો રદ, પણ મુંબઈની ફ્લાઈટો રહી ચાલુ

દુબઈમાં અટવાયેલા આ પ્રવાસીઓએ ભારત પરત આવવા માટે અમદાવાદની ૪, ૫ અને ૭ માર્ચની ફ્લાઈટો બુક કરાવી હતી, પરંતુ ગુજરાત આવતી તમામ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના ધ્યાને આવ્યું કે મહારાષ્ટ્રની શિંદે સરકારે દુબઈમાં ફસાયેલા પોતાના નાગરિકો માટે ફ્લાઈટોની વિશેષ વ્યવસ્થા કરી હતી જે કાર્યરત હતી. આથી, પ્રવાસીઓએ વડોદરાના સાંસદ પર નિર્ભર રહેવાનું છોડી મુંબઈની ટિકિટ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા.

કાળાબજાર જેવા ઊંચા ભાવ ચૂકવી મુંબઈ માર્ગે વડોદરા આગમન

પ્રવાસીઓએ જણાવ્યું કે તેમને ૬ઠ્ઠી માર્ચની મુંબઈની ટિકિટ ખૂબ જ ઊંચી કિંમતે મળી હતી. કાળાબજાર જેવા ભાવો ચૂકવીને આખરે તેઓ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી સફળતાપૂર્વક વડોદરા પહોંચી શક્યા છે. સુરક્ષિત પરત ફર્યા બાદ પ્રવાસીઓએ તે તમામ સ્નેહીઓનો આભાર માન્યો છે જેમણે તેમના માટે પ્રાર્થનાઓ કરી હતી.

સાંસદને આત્મનિર્ભર બનવાની 'વણમાંગી સલાહ'

સ્વદેશ પરત ફરેલા નાગરિકોએ વડોદરાના સાંસદ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા વણમાંગી સલાહ પણ આપી છે. તેમણે જણાવ્યું કે, જો સાંસદ 'ક્રેડાઈ' (CREDAI) ની છત્રછાયામાંથી બહાર નીકળી આત્મનિર્ભર બનશે તો જ તેઓ વડોદરાના નગરજનોના કામો સાચી રીતે કરી શકશે. આ ઘટના વડોદરાના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now