Home Gujarat Vadodara Vadodara Mr Puff Bakery Sealed Dead Rat Found In Cake Counter

વડોદરાવાસીઓ આ બેકરીના પફ કે કેક ખાતા હોય તો સાવધાન! : કેક કાઉન્ટરમાં જ જોવા મળ્યો મરેલો ઉંદર, તંત્રએ દુકાનને સીલ કરી

Vadodara Mr Puff Bakery rat
Published by: Nirali Gohil
Last Updated: May 13, 2026, 09:49 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરની વર્ષો જૂની અને પ્રતિષ્ઠિત ગણાતી 'મિસ્ટર પફ' (Mr. Puff) બેકરીમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનું બહાર આવ્યું છે. શહેરના હાર્દ સમાન ખંડેરાવ માર્કેટ સ્થિત આ બેકરીની મુખ્ય શાખામાં કેક કાઉન્ટરની અંદર જ એક મરેલો ઉંદર જોવા મળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તગડો નફો કમાતી આ બ્રાન્ડેડ બેકરીમાં સ્વચ્છતાના નામે 'મીંડું' હોવાનું સાબિત થયું છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક જાગૃત ગ્રાહકે બેકરીના ડિસ્પ્લે કાઉન્ટરમાં મરેલો ઉંદર જોયો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ વીડિયો જોતજોતામાં સમગ્ર વડોદરામાં વાયરલ થઈ ગયો હતો, જેના પગલે વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ ઊંઘમાંથી જાગ્યું હતું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

કેક કાઉન્ટરમાં મરેલો ઉંદર: વીડિયો વાયરલ થતા મચી ચકચાર

ખંડેરાવ માર્કેટ પાસે આવેલી મિસ્ટર પફની મુખ્ય શાખામાં ગઈકાલે ગ્રાહકો ખરીદી માટે ગયા હતા. ત્યારે કેક અને પેસ્ટ્રીના આકર્ષક કાઉન્ટરની અંદર એક મરેલો ઉંદર લટકતો જોવા મળ્યો હતો. ગ્રાહકે જ્યારે આ ગંદકી જોઈ ત્યારે તે હેબતાઈ ગયો હતો, કારણ કે આ જ કાઉન્ટરમાંથી બાળકો અને લોકો હોંશે હોંશે કેક ખાતા હોય છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ખાવાની વસ્તુઓ જે રીતે ખુલ્લી પડી છે તેની બાજુમાં જ ઉંદર મરેલો પડ્યો છે, જે પ્લેગ અને ફૂડ પોઈઝનિંગ જેવી જીવલેણ બીમારીઓને સીધું આમંત્રણ આપી રહ્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો: પોસ્ટમોર્ટમ રૂમ પાસે અદ્યતન 'બોડી ફિલ્ટર મશીન' કાર્યરત, જાણો શું છે તેની ખાસિયત

પાલિકાના ફૂડ વિભાગના દરોડા: કેકના નમૂના લેવાયા

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પી.એમ. ભાવસારના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરીમાં અત્યંત ગંદકી અને અનહાઈજીનિક વાતાવરણ જોવા મળતા તંત્રએ કડક કાર્યવાહીના ભાગરૂપે આ આઉટલેટને તાત્કાલિક ધોરણે સીલ કરી દીધું છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગે બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ અને ચોકલેટ કેકના શંકાસ્પદ નમૂનાઓ મેળવીને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ગંભીર બેદરકારી બદલ સંચાલકોને 'ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ' ફટકારવામાં આવી છે અને તેમને સાત દિવસની અંદર સંતોષકારક જવાબ રજૂ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટમાં દેખાયો બીજો 'તથ્ય પટેલ'!: નશાની હાલતમાં વોલ્વો કારથી પાંચ વાહનોને મારી ટક્કર

લાઈસન્સ રદ થવાની લટકતી તલવાર

વડોદરા કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે જો બેકરીના સંચાલકો યોગ્ય ખુલાસો નહીં આપી શકે અથવા હાઈજીનના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેમનું ફૂડ લાઈસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. શહેરની જાણીતી બ્રાન્ડમાં જ્યારે આવી બેદરકારી જોવા મળે ત્યારે નાગરિકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, માત્ર દંડની વસૂલાત કરવાને બદલે આવા બેજવાબદાર વેપારીઓ સામે ફોજદારી ગુનો કેમ નોંધવામાં આવતો નથી? હાલમાં તો આ ઘટનાને પગલે વડોદરાના ફૂડ લવર્સમાં 'મિસ્ટર પફ' સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now