Home Gujarat Vadodara Man Sandeep Patel Escape From Bahrain War Missile Attack Experience

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી' : બહેરીનમાં મિસાઈલ હુમલા વચ્ચે મોતને મ્હાત આપી વડોદરાનો યુવક પરત ફર્યો

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી'
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 08:58 AM IST

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધ જેવી સ્થિતિમાં ગલ્ફ દેશોમાં ફસાયેલા લાખો ભારતીયો પૈકી વડોદરાના સંદીપ પટેલ મોતના મુખમાંથી હેમખેમ પરત ફર્યા છે. 25 ફેબ્રુઆરીએ કંપનીના કામે બહેરીન ગયેલા સંદીપ પટેલે પોતાની જિંદગીના સૌથી ભયાનક 12 દિવસોની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, ત્યાંનું વાતાવરણ એટલું ભયાવહ હતું કે તેમને જીવતા પાછા આવવાની આશા જ નહોતી.

મિસાઈલ હુમલાથી હોટલના કાચ તૂટ્યા, રાતો જાગીને કાઢી

સંદીપભાઈએ જણાવ્યું કે, 28 ફેબ્રુઆરીએ તેમની પરત આવવાની ફ્લાઈટ હતી, પરંતુ તે જ દિવસે ઈરાન દ્વારા અમેરિકન નેવી બેઝને નિશાન બનાવી મિસાઈલ હુમલા શરૂ કરાયા. તેઓ જે હોટલમાં હતા ત્યાંથી નેવી બેઝ માત્ર 200 મીટર દૂર હોવાથી ધડાકાને કારણે હોટલની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. સુરક્ષા ખાતર તેમને રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં ખસેડાયા હતા. તેમણે પોતાની નજર સામે 70 થી 80 મિસાઈલો અને 20 થી વધુ ડ્રોન હુમલા જોયા હતા. એક સમયે તો તેમની નજર સામે જ ડ્રોન પડતા આખો ફ્લોર તબાહ થઈ ગયો હતો.

સરકારી તંત્ર નિષ્ફળ, કંપનીએ બચાવ્યા

ભારત સરકાર અને ઈન્ડિયન એમ્બેસી સામે રોષ ઠાલવતા તેમણે કહ્યું કે, "મેં અનેકવાર એમ્બેસીમાં ફોન અને મેઈલ કર્યા, વડોદરાના સાંસદને પણ વિગતો મોકલી, પરંતુ મદદના નામે શૂન્ય પ્રતિસાદ મળ્યો. એમ્બેસી માત્ર 'સુરક્ષિત રહો' કહીને વાત ટાળતી હતી." અંતે તેમની કંપનીએ જોખમ ઉઠાવી તેમને બાય રોડ સઉદી અરેબિયા મોકલ્યા અને ત્યાંથી જેદ્દાહ થઈ મુંબઈ પહોંચાડ્યા હતા.

મોંઘી ટિકિટોને કારણે હજુ લાખો ગુજરાતીઓ ફસાયેલા

બહેરીનમાં હાલ અંદાજે 4 લાખ ભારતીયો છે, જેમાં 30% ગુજરાતીઓ છે. યુદ્ધની સ્થિતિમાં ફ્લાઈટના ભાવ આસમાને પહોંચ્યા છે. એક ટિકિટના 60 હજાર રૂપિયા (280 દિનાર) વસૂલવામાં આવી રહ્યા છે, જેના કારણે મધ્યમ વર્ગના પરિવારો માટે પરત ફરવું મુશ્કેલ બન્યું છે. સંદીપભાઈએ ઉમેર્યું કે બહેરીનમાં ખાવા-પીવાની તકલીફ નહોતી, પણ આકાશમાંથી વરસતા ડ્રોન અને મિસાઈલોના અવાજે તેમની ઊંઘ હરામ કરી દીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now