Home Gujarat Vadodara Vadodara Lcb Seizes Rs 1 53 Crore Foreign Liquor Bishnoi Gang

'સંસ્કારી નગરી' માં 'ડ્રાય સ્ટેટ' ના ધજગરા! : બે દિવસમાં 2 કરોડથી વધુનો દારૂ પકડાયો, બિશ્નોઈ ગેંગનો પર્દાફાશ

દારૂના બોક્સ
Play Video
Image Credit: OBS Input
Published by: Chintan Chavda
Last Updated: May 03, 2026, 05:43 AM IST

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ એક્શનમાં આવેલી જિલ્લા LCB એ આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પરથી રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા મોકલવામાં આવેલો રૂ. 1.53 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કન્ટેનર અને મોબાઈલ સહિત કુલ રૂ. 1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે વોચ અને સફળ ઓપરેશન

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એક મોટા કન્ટેનરમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે આજોડ ગામની સીમમાં ટોલનાકા પહેલા વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તલાશી લેતા તેમાંથી લાખોની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

બિશ્નોઈ ગેંગનું નેટવર્ક અને ધરપકડ

પોલીસે સ્થળ પરથી કન્ટેનર ચાલક ગોપાલરામ જોધારામ બિશ્નોઈ (ઉં.વ. 45, રહે. બાલોત્રા, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ જથ્થો ધર્માભાઈ નામના વ્યક્તિએ ભરાવ્યો હતો અને રાજુરામ મોડારામ બિશ્નોઈએ કન્ટેનરની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: 'કાજુ કતરી' હવે માત્ર મીઠાઈ નહીં, પણ દરેક ગોટાળાનો જાહેર પુરાવો બનશે : જય પ્રકાશ સોનીને સ્વેજલ વ્યાસનો જવાબ

ચૂંટણી બાદ દારૂના જથ્થાના આગમનથી અનેક તર્ક-વિતર્ક

વડોદરા ગ્રામ્યમાં છેલ્લા બે જ દિવસમાં કુલ 2 કરોડથી વધુનો દારૂ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા અનેક ચર્ચાઓ જાગી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, વિજેતા ઉમેદવારોએ મતદારોને આપેલા વાયદા મુજબ 'ઉજવણી' કરવા માટે આ જથ્થો મંગાવ્યો હોઈ શકે છે. જોકે, પોલીસની સમયસૂચકતાને કારણે બુટલેગરો અને રાજકીય આકાઓના આયોજન પર પાણી ફરી વળ્યું છે.

હાલમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now