Home Gujarat Vadodara Vadodara Lcb Arrests Malabar Hill Wanted Accused Mission Safe Station

વડોદરા રેલવે સ્ટેશન પરથી મુંબઈ પોલીસના વોન્ટેડ આરોપીની ધરપકડ : MISSION SAFE STATION હેઠળ LCBની સફળ કાર્યવાહી

vadodara lcb
Published by: Chintan Chavda
Last Updated: Jul 29, 2026, 04:13 AM IST

વડોદરા રેલવે સ્ટેશન પર MISSION SAFE STATION અભિયાન હેઠળ વડોદરા રેલવે LCB (પશ્ચિમ રેલવે)ને મહત્વની સફળતા મળી છે. મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી અમરીશ ઈશ્વરલાલ ઠક્કરને સુર્યનગરી એક્સપ્રેસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળેલી બાતમીના આધારે વડોદરા રેલવે LCBની ટીમે સ્ટેશન પર પહોંચતી સુર્યનગરી એક્સપ્રેસમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેની ઓળખ અમરીશ ઈશ્વરલાલ ઠક્કર તરીકે થઈ હતી, જે મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: 'સૈનિકોની જેમ દેશ અને સમાજની રક્ષા કરે છે પત્રકારો' : ઓન ડ્યુટી જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારને મળે આજીવન આર્થિક પેકેજ: ઇસુદાન ગઢવી

ખોટા લેટરપેડ અને રેલવે ટિકિટ સંબંધિત ગુનાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે રાજ્યપાલના કાર્યાલયના ખોટા લેટરપેડનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ છે. ઉપરાંત, રેલવેમાં ખોટી રીતે ટિકિટ બુક કરાવવાના ગુનામાં પણ તેની સામે કાર્યવાહી ચાલી રહી છે. આ કેસની તપાસ મુંબઈ મલબાર હિલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આરોપી તેની તપાસ દરમિયાન ફરાર હતો.

વડોદરા રેલવે LCBએ કાર્યવાહી દરમિયાન આરોપીના કબજામાંથી ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ બાદ કેસમાં વધુ મહત્વની માહિતી મળી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલાં નવું રોટેશન જાહેર : 27 ટકા OBC અનામતથી અનેક નેતાઓની બેઠકોના સમીકરણો વિખેરાયા, જાણો કયા વોર્ડમાં થયો ફેરફાર ?

કાયદેસરની કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપાશે

ધરપકડ બાદ આરોપીને જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને સુરક્ષિત રીતે વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ તપાસ અને કોર્ટ પ્રક્રિયા માટે તેને મુંબઈની મલબાર હિલ પોલીસને હવાલે કરવામાં આવશે.

આ સમગ્ર સફળ કામગીરી PI ટી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ વડોદરા પશ્ચિમ રેલવે LCBની ટીમે અંજામ આપી હતી. MISSION SAFE STATION અભિયાન હેઠળ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ગુનેગારો સામે સતત ચેકિંગ અને સતર્કતા રાખવામાં આવી રહી છે, જેના પરિણામે ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી રહી છે.

આ કેસમાં આગળની તપાસ મુંબઈ મલબાર હિલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામેના અન્ય પાસાઓ અને સંભવિત સંડોવણી અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now