Vadodara News: પશ્ચિમ મધ્ય રેલવેએ મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને રિઝર્વેશન કાઉન્ટર પર થતી બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની સાથે ટોકન આપવાના સમયમાં ફેરફાર કરાયો છે. આ સાથે જ મુસાફરોની સરળતા માટે બે નવી પ્રાથમિકતા શ્રેણીઓ પણ દાખલ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી મુસાફરોને કાઉન્ટર પર વારંવાર લાઈનમાં ઉભા રહેવાથી કે ચક્કર મારવાથી મુક્તિ મળશે.
ટોકન વિતરણનો નવો સમય અને મર્યાદા
રેલવે અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, હવે AC અને નોન-AC ક્લાસ માટે અલગ સમય સ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. AC ક્લાસ માટે સવારે 8:30 થી 9:00 વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે, જે અગાઉ સવારે 9:00 થી 9:25 વાગ્યા વચ્ચે મળતા હતા. જ્યારે નોન-AC ક્લાસ (સ્લીપર) માટે સવારે 9:00 થી 9:30 વાગ્યા સુધી ટોકન મળશે, જે અગાઉ સવારે 9:30 થી 9:55 વાગ્યા સુધી આપવામાં આવતા હતા.
દરેક રિઝર્વેશન કાઉન્ટર પરથી AC ક્લાસ માટે દરરોજ 10 ટોકન અને નોન-AC ક્લાસ માટે 15 ટોકન ઇશ્યૂ કરવામાં આવશે. જોકે, સ્થાનિક ભીડ અને જરૂરિયાત અનુસાર આ સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર રેલવે પાસે રહેશે.
ટોકન વિતરણ માટે A અને B પ્રાથમિકતા શ્રેણી
દલાલો પર લગામ લગાવવા માટે રેલવેએ તત્કાલ બુકિંગમાં A અને B એમ બે પ્રાથમિકતા શ્રેણી શરૂ કરી છે. શ્રેણી A હેઠળ પોતાના માટે અથવા પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટ બુક કરાવનારા મુસાફરોને સૌથી પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે શ્રેણી B માં અન્ય તમામ મુસાફરોનો સમાવેશ થશે, જેમને શ્રેણી A ના મુસાફરોનું બુકિંગ પૂરું થયા બાદ જ ટિકિટ મેળવવાનો મોકો મળશે.
નિયમો અને મહત્વની સૂચનાઓ
શ્રેણી A હેઠળ ટિકિટ બુક કરાવવા માટે મુસાફરે પોતાનું મૂળ વેલિડ ફોટો ID તેમજ પરિવાર સાથેનો સંબંધ સાબિત કરતું ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે જારી કરાયેલું ટોકન અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે નહીં. ટિકિટ ફક્ત એ જ વ્યક્તિને અપાશે જેના નામે ટોકન ઇશ્યૂ થયું હશે. તમામ ટોકનધારકોનું કામ પૂરું થયા બાદ બચેલી તત્કાલ સીટો 'પહેલા આવો, પહેલા પાઓ'ના ધોરણે આપવામાં આવશે.





