Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અતિ સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરા ગર્ભવતી બનતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના પગલે પીડિતાના પરિવારે ત્વરિત મંજુસર પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નરાધમ આરોપીને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદમાં 4 લાખના દેવા માટે વકીલે કરાવ્યો જીવલેણ હુમલો : સુપારી આપી 3 યુવકો મારફતે કરાવ્યા છરીના ઘા
બદનામ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
મળતી વિગતો અનુસાર, સાવલી તાલુકાના ટુંડાવ ગામે આવેલા બારીયા વગો વિસ્તારમાં રહેતા દેવરાજ અશ્વિનભાઈ ચૌહાણ નામના શખ્સે ત્રણેક મહિના અગાઉ ગામની જ એક સગીરાને જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. આ ભયના ઓથાર હેઠળ નરાધમે સગીરા પર શારીરિક અત્યાચાર ગુજારી દુષ્કર્મ આચર્યું હતું. ડરના માર્યા સગીરાએ આ અંગે કોઈને કશું કહ્યું ન હતું.
સગીરા ગર્ભવતી બનતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ
દરમિયાન, સમય જતાં સગીરામાં શારીરિક ફેરફારો દેખાતાં અને તેની તબિયત લથડતાં પરિજનો તેને સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. આ સાંભળીને પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તરત જ સગીરાની આપવીતી સાંભળીને મંજુસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
BNS અને પોક્સો હેઠળ ગુનો નોંધી પોલીસ શોધોળમાં
આ મામલે મંજુસર પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી દેવરાજ અશ્વિનભાઈ ચૌહાણ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૪(૧) તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદથી આરોપી પોલીસ પકડથી દૂર ભાગતો ફરી રહ્યો છે.
ફરાર નરાધમને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.





