Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની ઘોર બેદરકારી અને ભારે અનિયમિતતા સામે આવી છે. સાવલી તાલુકાના સાંકરદા ગામે આજે રોષે ભરાયેલા શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ એસ.ટી. બસો રોકીને રસ્તા પર જ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અવારનવાર લિખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરી બસો અટકાવવાની નોબત આવી હતી.
52 સીટની કેપેસિટીમાં 120 વિદ્યાર્થીઓ ભરાય છે
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, સાવલીથી આણંદ રૂટ પર દોડતી એસ.ટી. બસોની સંખ્યા જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે અને જે બસો આવે છે તે પણ ભારે અનિયમિત હોય છે. માત્ર ૫૨ સીટની ક્ષમતા ધરાવતી એક જ બસમાં ૧૨૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરી દેવામાં આવે છે. આના કારણે દરરોજ મુસાફરી કરતી વખતે અકસ્માતનો મોટો ભય રહે છે અને સમયસર કોલેજ કે શાળાએ પહોંચી શકાતું નથી.
ધારાસભ્ય અને પંચાયત સદસ્યની રજૂઆતો પણ એળે ગઈ
સાવલી થી આણંદ વચ્ચે બસોની સંખ્યા વધારવા માટે અગાઉ પણ વિદ્યાર્થીઓ વારંવાર વિરોધ નોંધાવી ચૂક્યા છે. સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા પણ એસ.ટી. નિગમને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભાદરવા જિલ્લા પંચાયત સદસ્ય આકાશસિંહ પરમારે પણ એસ.ટી. ના ઉચ્ચ અધિકારીઓને સ્થિતિની ગંભીરતા દર્શાવી રજૂઆત કરી હતી. છતાં તંત્રના પેટનું પાણી ન હલતાં આજે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
પોલીસ કાફલો અને ડેપો મેનેજર ઘટનાસ્થળે પહોંચ્યા
વિદ્યાર્થીઓ દ્વારા બસો રોકી પાડવાના સમાચાર મળતાં જ ભાદરવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં સાવલી એસ.ટી. ડેપો મેનેજરે પણ સ્થળ પર દોડી આવી વિદ્યાર્થીઓ સાથે વાટાઘાટો કરી હતી. ડેપો મેનેજરે વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળીને આ રૂટ પર બસોની યોગ્ય વ્યવસ્થા કરવાનો અને આશ્વાસન આપ્યું હતું.
આશ્વાસન મળ્યા બાદ વિદ્યાર્થીઓએ ચક્કાજામ આટોપ્યો હતો, પરંતુ સાથે જ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે





