Home Gujarat Vadodara Vadodara Girls 12th Result Success Story

વડોદરાની દીકરીઓનો કમાલ : મર્યાદિત સાધનો વચ્ચે ધોરણ-12માં મેળવી ઝળહળતી સફળતા

કસ્તુરી પાનબંદ અને કાજલ અગ્રવાલની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 04, 2026, 07:34 AM IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામોમાં વડોદરાની દીકરીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આર્થિક મર્યાદાઓ અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ અડગ મનોબળ અને સતત મહેનતના આધારે તેઓએ સાબિત કર્યું છે કે સફળતા માટે સંજોગો નહીં, પરંતુ સંકલ્પ મહત્વનો છે.

કાજલ અગ્રવાલ

વડોદરાના છાણી TP-13 વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા લક્ષ્મણભાઈ અગ્રવાલની પુત્રી કાજલ અગ્રવાલે ધોરણ-12માં 90.8 ટકા અને 98.47 પર્સન્ટાઇલ મેળવીને A1 ગ્રેડ સાથે ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. એક સામાન્ય વેપારી પરિવારની દીકરી હોવા છતાં કાજલે પોતાના અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા અને નિયમિતતા જાળવી રાખી. પરિવારની આર્થિક સ્થિતિ મર્યાદિત હોવા છતાં તેના પિતાએ તેના અભ્યાસમાં કોઈ કમી રહેવા દીધી નહોતી.

કાજલે જણાવ્યું સફળતાનું મુખ્ય કારણ સતત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને પરિવારનો અવિરત સહકાર છે. તેના પરિણામે તે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનું કારણ બની છે.

આ પણ વાંચો: ધોરણ 12 રિઝલ્ટમાં આ જિલ્લાનો દબદબો : સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% સાથે વિદ્યાર્થીનીઓએ મારી બાજી

કસ્તુરી પાનબંદ

વડોદરાની જીવન સાધના સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીની પુત્રી કસ્તુરી પાનબંદેએ પણ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેણે 91 ટકા અને 98.40 પર્સન્ટાઇલ મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

કસ્તુરી પાસે શિક્ષણ માટે સીમિત સંસાધનો હોવા છતાં અભ્યાસ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. માતા-પિતા અને દાદીની હૂંફ અને પ્રોત્સાહન તેના માટે મજબૂત આધાર બન્યા. કસ્તુરીએ પોતાના ભવિષ્યના લક્ષ્ય વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવા માંગે છે અને પોતાના પરિવારના સપનાઓને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: GSEB Class 12 Result 2024 : આજે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, વેબસાઈટ કે વોટ્સએપ પર માત્ર 4 સ્ટેપ્સ ફોલો કરો અને જુઓ તમારું રિઝલ્ટ

સંઘર્ષમાંથી સિદ્ધિ સુધીની સફર

આ બંને કિસ્સાઓ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમાજ માટે એક સંદેશ છે. આર્થિક રીતે મજબૂત ન હોવા છતાં યોગ્ય દિશામાં કરેલી મહેનત અને પરિવારના સહકારથી મોટા પરિણામો મેળવી શકાય છે. વડોદરાની આ દીકરીઓએ દર્શાવ્યું છે કે સંજોગો ભલે મુશ્કેલ હોય, પરંતુ જો મનમાં નિર્ધાર હોય તો કોઈ પણ અવરોધ સફળતાની સામે નાનો પડે છે. આવી સિદ્ધિઓ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણારૂપ છે, જેઓ મર્યાદિત સંસાધનોને કારણે પોતાના સપનાઓ છોડવા મજબૂર થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now