Vadodara Local Body Election Results 2026: વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 9 માં ભાજપના ઉમેદવારોએ વિરોધ પક્ષના સૂપડા સાફ કરી નાખતી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ જીત બાદ સયાજીગંજ સ્થિત ડેરીડેન સર્કલ ખાતે શહેર ભાજપ દ્વારા ભવ્ય વિજયાદશમી જેવો માહોલ સર્જાયો હતો.
ભવ્ય વિજયોત્સવ અને આતશબાજી
જીતની જાહેરાત થતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ડેરીડેન સર્કલ ખાતે ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને આકાશને ગજવી દે તેવી આતશબાજી કરીને જીતને વધાવી લીધી હતી. નેતાઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને આ ભવ્ય સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.
શ્રીરંગ આયરેનો દબદબો: ૨૭ વર્ષની વયે ૨૩,૦૦૦ની લીડ
વોર્ડ નં. 9 માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર માત્ર ૨૭ વર્ષના યુવા ઉમેદવાર શ્રીરંગ આયરે રહ્યા છે. શ્રીરંગ આયરેએ પોતાની લોકપ્રિયતા સાબિત કરતા કોંગ્રેસના ઉમેદવારને ૨૩,૦૦૦ થી વધુ મતોની સરસાઈ થી પરાજય આપ્યો છે.
• શ્રીરંગ આયરેને મળેલ મતો: ૨૭,૧૭૪
• કોંગ્રેસ ઉમેદવારને મળેલ મતો: ૩,૯૪૫
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧ ની ચૂંટણીમાં તેમને ૨૦,૦૦૦ મતોની લીડ મળી હતી, જેમાં આ વર્ષે ધરખમ વધારો જોવા મળ્યો છે, જે તેમની કામગીરી પર જનતાએ મારેલી મહોર સમાન છે.
OBC બેઠક પર પરેશ બ્રહ્મભટ્ટનો વિજય
બીજી તરફ OBC બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પરેશ બ્રહ્મભટ્ટે પણ ભવ્ય દેખાવ કર્યો હતો. તેમણે કોંગ્રેસના હરીફ ઉમેદવારને ૧૯,૦૦૦ મતોથી હરાવ્યા છે.
• પરેશ બ્રહ્મભટ્ટને મળેલ મતો: ૨૩,૦૨૮
• કોંગ્રેસ ઉમેદવારને મળેલ મતો: ૪,૭૨૩
જનતાની સેવા કરવાનો નિર્ધાર
જીત બાદ બંને વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, "આ જીત વોર્ડ નં. 9 ના નાગરિકોના વિશ્વાસની જીત છે. અમે વિસ્તારના વિકાસ માટે અને મતદારોના પ્રશ્નો ઉકેલવા માટે રાત-દિવસ જોયા વગર સતત કાર્યરત રહીશું." આ વિજય સાથે વડોદરા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ભાજપે ગાબડું પાડવામાં સફળતા મેળવી છે.





