દિવાળીની રાત્રે શહેરમાં બનેલી દુર્ઘટનાએ એક શ્રમજીવી પરિવારનું જીવન ઉથલપાથલ કરી દીધું છે. અવધૂત ફાટક નજીક એક બેફામ કારચાલકે નશાની હાલતમાં કાર ફૂટપાથ પર ચડાવી દીધી, જેના કારણે ત્યાં સૂતેલા શ્રમજીવી પરિવારના 4 વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી.
દ્રષ્ટાસાક્ષીઓના જણાવ્યા મુજબ, કારચાલક અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને ઝડપી પકડી લીધો અને સ્થળ પર જ ધોલાઈ કરી પોલીસને સોંપી દીધો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલો કબજે કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી નીતિન કિશનભાઈ ઝા સામે રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો
માહિતી મુજબ, અકસ્માત કરનાર આરોપીનું નામ નીતિન કિશનભાઈ ઝા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના વિશ્વામિત્રી રોડ પર અવધૂત ફાટક નજીક બની હતી. રાવપુરા પોલીસએ આરોપીને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં સોનિયાબેન, આશાબેન અને અન્ય શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 4 વર્ષના બાળકનું મોત સ્થળ પર જ થયું હતું.
પોલીસનો કડક અભિગમ: નશાની સ્થિતિમાં ડ્રાઇવિંગની પુષ્ટિ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવશે
ડીસીપી જગદીશ ચાવડાએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે કારચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત બાદ અક્ષર ચોક સુધી કાર હંકારતો ભાગ્યો હતો. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા બાદ પોલીસએ પહોંચીને આરોપીને કાબૂમાં લીધો હતો.
તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે. હાલ ગાડીની વધુ તપાસ ચાલી રહી છે. આ ગંભીર કેસ છે અને પોલીસ એમાં કડક પગલાં લેશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે બ્લડ સેમ્પલ લઈને આરોપી નશામાં હતો કે નહીં તે અંગે વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે. રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત બન્યો હોવાથી, આરોપી સામે IPC અને Prohibition કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.
સ્થળ પર રહેલી મહિલાની પીડા: "ગરીબનો દીકરો ગયો છે, કેસ દબાવવો નહીં"
અકસ્માતના સાક્ષી રહેલી મહિલાએ જણાવ્યું કે, “અમે બધા ફૂટપાથ પર સૂતા હતા. તે સમયે ક્રેટા કારનો ચાલક સંપૂર્ણ નશામાં હતો. ગાડીમાં દારૂની બોટલો પણ હતી. ગાડી સીધી સૂતા લોકોને ચડાવી દીધી. નાનો છોકરો ત્યાં જ મૃત્યુ પામ્યો.”
મહિલાએ વધુમાં કહ્યું કે, “આ ઘટના પછી લોકો એકઠા થયા અને તેને રોક્યો. પોલીસને સોંપી દીધો, પરંતુ હવે જરૂરી છે કે આ કેસ દબાય નહીં. ગરીબનો દીકરો ગયો છે, ન્યાય મળવો જોઈએ.”
સમાજમાં રોષ અને કડક કાર્યવાહી માટે માંગણી
આ ઘટનાને કારણે વડોદરા શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.
પોલીસ દ્વારા હાલ આરોપીની પુછપરછ ચાલુ છે અને અકસ્માતના તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.






