Home Gujarat Vadodara Cooking Gas Crisis Impact On 25000 Pg Students

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ : પીજીમાં રહેતા 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:37 PM IST

વડોદરા શહેરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલા સંકટના કારણે ખાસ કરીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં અંદાજે 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ પીજીમાં રહેતા હોવાને કારણે રોજિંદા ભોજનની વ્યવસ્થા પર ગંભીર અસર જોવા મળી રહી છે.

શહેરના ફતેગંજ, કારેલીબાગ, નિઝામપુરા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પીજીમાં રહી અભ્યાસ કરે છે. ગેસના સિલિન્ડરનો પૂરતો પુરવઠો ન મળતા ઘણા પીજી સંચાલકો માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓને બહારના હોટલ કે અન્ય વિકલ્પો તરફ વળવું પડી રહ્યું છે.

ખાસ કરીને વાઘોડિયા રોડ શહેરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં પીજી અને મેસની વ્યવસ્થા છે. ગેસ પુરવઠામાં વિક્ષેપ આવતા આ વિસ્તારમાં વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે નિયમિત ભોજન ન મળતા અભ્યાસ પર પણ અસર પડી રહી છે.

બીજી તરફ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં મેસની વ્યવસ્થા હાલ ચાલુ છે. હોસ્ટેલમાં પાઈપલાઈન દ્વારા ગેસ પુરવઠો થતો હોવાને કારણે ત્યાં વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

પરંતુ શહેરની ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોની મેસ પર આ સંકટની સીધી અસર જોવા મળી રહી છે. ગેસના સિલિન્ડર સમયસર ન મળતા અનેક મેસ સંચાલકોને ભોજન વ્યવસ્થા અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે.

પરિસ્થિતિને પગલે વિદ્યાર્થીઓ અને પીજી સંચાલકો દ્વારા ગેસ પુરવઠો નિયમિત કરવા માટે તંત્ર પાસે માંગ ઉઠી રહી છે. જો ગેસ સપ્લાય ટૂંક સમયમાં સામાન્ય ન થાય તો શહેરમાં રહેતા હજારો વિદ્યાર્થીઓ માટે ભોજનની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now