ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા વડોદરામાં રોજગારીની શોધમાં આવતા હજારો પરપ્રાંતિય શ્રમિકો માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. હવે ભાડાના મકાનમાં રહેતા શ્રમિકોએ રાંધણ ગેસ માટે ભટકવું નહીં પડે, કારણ કે કંપનીએ સ્થાનિક એડ્રેસ પ્રૂફ વગર 5 કિલોનો મિની એલપીજી ગેસ સિલિન્ડર આપવાની યોજના અમલી બનાવી છે.
એડ્રેસ પ્રૂફની જંઝટમાંથી મુક્તિ
સામાન્ય રીતે નવું ગેસ કનેક્શન લેવા માટે જે-તે શહેરના સ્થાનિક રહેઠાણનો પુરાવો (Address Proof) અનિવાર્ય હોય છે. વડોદરામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરો પાસે ભાડા કરાર કે સ્થાનિક પુરાવા ન હોવાથી તેમને કાયદેસરનું જોડાણ મેળવવામાં ભારે હાલાકી પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને BPCL એ નિયમોમાં મોટી છૂટછાટ આપી છે. હવે શ્રમિકોએ માત્ર પોતાનું કોઈપણ એક માન્ય સરકારી ઓળખપત્ર (ID Proof) રજૂ કરવાનું રહેશે.
આ પણ વાંચો: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાનો મેગા દરોડો : 88 એકમોમાં તપાસ, 94 નમૂના જપ્ત
યોજનાની મુખ્ય વિશેષતાઓ
ત્વરિત સુવિધા: કોઈપણ લાંબી કાગળિયાની પ્રક્રિયા વગર સ્થળ પર જ સિલિન્ડર ઉપલબ્ધ થશે.
પોર્ટેબિલિટી: 5 કિલોનો નાનો સિલિન્ડર હોવાથી શ્રમિકો તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે.
સુરક્ષા: આ સુવિધાને કારણે શ્રમિકો ગેરકાયદેસર અને જોખમી રીતે થતા ગેસ રિફિલિંગથી બચશે, જે અકસ્માતનું જોખમ ઘટાડશે.
શ્રમિકોના જીવનમાં આવશે પરિવર્તન
વડોદરાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા મજૂરો માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાર સુધી રસોઈ માટે કેરોસીન કે લાકડા પર નિર્ભર રહેતા અથવા મોંઘા ભાવે ગેરકાયદે ગેસ લેતા શ્રમિકોને હવે વ્યાજબી દરે સુરક્ષિત ઈંધણ મળશે.
સ્થાનિક સામાજિક સંગઠનો અને ઉદ્યોગ જગતે BPCLના આ નિર્ણયને આવકાર્યો છે. આ પહેલથી હજારો પરિવારોના જીવનધોરણમાં સુધારો થશે અને તેમને પાયાની સુવિધા મેળવવા માટે હવે વચેટીયાઓ કે જટિલ સરકારી પ્રક્રિયાઓનો સામનો કરવો પડશે નહીં.





