વડોદરા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવા અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોને પાઠ ભણાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમોએ આકસ્મિક દરોડા પાડી 88 જેટલા એકમો માં સઘન તપાસ હાથ ધરી હતી. આ મેગા ડ્રાઈવ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય ચીજોના કુલ 94 નમૂના જપ્ત કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ગોરવા BIDC માં લસ્સીના જથ્થાનો નાશ
આ કાર્યવાહી દરમિયાન સૌથી ગંભીર બેદરકારી ગોરવા BIDC સ્થિત ‘શ્રી જય જલારામ લસ્સી સેન્ટર એન્ડ ખમણ હાઉસ’માં જોવા મળી હતી. અહીં તપાસ દરમિયાન લસ્સીનો જથ્થો 'મિસબ્રાન્ડેડ' હોવાનું માલૂમ પડ્યું હતું. તંત્રએ તાત્કાલિક પગલાં લેતા 200 મિલીના 138 લસ્સી કન્ટેનર (કિંમત આશરે ₹8,280) નો સ્થળ પર જ નાશ કર્યો હતો.
પનીર એનાલોગ સામે ખાસ અભિયાન
શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં નકલી પનીર એટલે કે ‘પનીર એનાલોગ’નો ઉપયોગ વધ્યો હોવાની આશંકા વચ્ચે ઓલ્ડ પાદરા રોડ, અકોટા અને રેસકોર્સ જેવા ભદ્ર વિસ્તારોમાં 45 જેટલા એકમોનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી પનીર અને તેની વાનગીઓના 8 શંકાસ્પદ નમૂના લેવાયા છે.
આ પણ વાંચો: વડોદરા શિક્ષણ સમિતિનો ઐતિહાસિક નિર્ણય : 'ઓન ધ સ્પોટ' એડમિશનથી ડ્રોપઆઉટ રેશિયો પર સર્જિકલ સ્ટ્રાઈક
વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ
પાલિકાની ટીમોએ અકોટા, કારેલીબાગ, ગોત્રી, અલકાપુરી, માંજલપુર, વાઘોડિયા રોડ, ફતેગંજ અને હરણી વિસ્તારોને ધમરોળ્યા હતા. તપાસનો વ્યાપ નીચે મુજબ રહ્યો હતો:
કુલ એકમો: 17 રીટેલર, 9 ઉત્પાદકો, 10 રેસ્ટોરન્ટ, 3 હોટલ અને અન્ય યુનિટ્સ.
નમૂના લેવાયા: મરચા-હળદર પાવડર, ખાદ્ય તેલ, દૂધ, પનીર, આઈસ્ક્રીમ સહિત 86 નમૂના.
લેબોરેટરી ટેસ્ટ: તમામ નમૂનાઓને ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે.
લારી-ગલ્લા ધારકોને નોટિસ
ખોરાક શાખાની ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન દ્વારા ગોત્રી તળાવ અને મુજમહુડા વિસ્તારમાં 25 જેટલા હોકર્સની તપાસ કરી હતી. આ દરમિયાન ગંદકી અને નિયમોના ઉલ્લંઘન બદલ 47 વેન્ડર્સને નોટિસ ફટકારી સ્વચ્છતા જાળવવા કડક તાકીદ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીને પગલે શહેરના ખાદ્ય વ્યવસાયીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





