Vadodara APMC Fraud: વડોદરા શહેરના હાથીખાના APMC માર્કેટમાંથી કરોડો રૂપિયાના વેપારી કૌભાંડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના ખાદ્યતેલના વેપાર સાથે સંકળાયેલા એક વેપારી પર માર્કેટના 16 જેટલા વેપારીઓ સાથે કુલ રૂ.2.44 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. વર્ષો સુધી નિયમિત વ્યવહાર અને સમયસર ચુકવણી કરીને વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ મોટા પ્રમાણમાં ઉધાર માલ ખરીદ્યો, પરંતુ ત્યારબાદ ચુકવણી ન કરતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આરોપ છે કે, હરણી વિસ્તારમાં રહેતા વિનોદભાઈ તુલસીદાસ દાવાણીએ વિવિધ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો ખાદ્યતેલ અને અન્ય માલ ઉધારમાં ખરીદ્યો હતો. શરૂઆતમાં તમામ ચૂકવણીઓ સમયસર થતાં વેપારીઓને કોઈ શંકા ન હતી, પરંતુ બાદમાં સતત ચુકવણી ટાળતા અને આપેલા ચેક બાઉન્સ થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. હાલ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પાંચ વર્ષના વ્યવહાર બાદ વિશ્વાસનો કર્યો દુરુપયોગ
ફરિયાદી વિનોદભાઈ અશોકકુમાર માખીજાની, જે હાથીખાના APMCમાં 'હરીઓમ ટ્રેડર્સ' નામે વેપાર કરે છે, તેમના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા પાંચ વર્ષથી નિયમિત વેપારી તરીકે તેમની સાથે વ્યવહાર કરતો હતો. એપ્રિલ 2026 સુધી તમામ લેવડ-દેવડ સમયસર પૂર્ણ થતી હોવાથી વેપારીઓને આરોપી પર સંપૂર્ણ વિશ્વાસ હતો. જોકે એપ્રિલના અંતિમ સપ્તાહથી મે 2026 દરમિયાન પરિસ્થિતિ બદલાઈ ગઈ. આરોપીએ અલગ-અલગ વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ ઉધારમાં ખરીદ્યો, પરંતુ તેની સામે કોઈ ચુકવણી કરી નહીં.
સસ્તા ભાવે રોકડમાં માલ વેચવાનો આરોપ
પ્રાથમિક તપાસ દરમિયાન વેપારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે, આરોપી ઉધારમાં ખરીદેલો માલ ખરીદ કિંમત કરતાં પણ ઓછી કિંમતે બજારમાં રોકડમાં વેચી દેતો હતો. જ્યારે વેપારીઓએ પોતાના નાણાંની ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપીએ તેમને વિવિધ તારીખોના ચેક આપ્યા હતા. જોકે બેંકમાં રજૂ કરાયેલા મોટાભાગના ચેક બાઉન્સ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આરોપીએ લોન મંજૂર થતાં તમામ રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી, પરંતુ વેપારીઓના જણાવ્યા મુજબ તે માત્ર સમય પસાર કરવા માટેના વાયદા સાબિત થયા.
16 વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન
આ કથિત કૌભાંડમાં હાથીખાના APMCના કુલ 16 વેપારીઓ આર્થિક નુકસાનનો ભોગ બન્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સૌથી વધુ રૂ.44.07 લાખ હર્ષ કાલડાના અટવાયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વિજય આલવાણીના રૂ.38.71 લાખ, દિનેશ નવલાણીના રૂ.28.40 લાખ, સમીર ઠક્કરના રૂ.22.44 લાખ, પ્રવીણ મહેશ્વરીના રૂ.22.32 લાખ, શંકર કાલડાના રૂ.15.41 લાખ, સુનય ઠક્કરના રૂ.14.18 લાખ, વિનોદ માખીજાનીના રૂ.11.20 લાખ અને સ્નેહલ શાહના રૂ.10.81 લાખ સહિત લાખો રૂપિયાની રકમ અટવાઈ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હરેશચંદ્ર નાથાણી, નિકિલ લાલવાણી, જયેશ હજારીયાની, નરેન્દ્રસિંહ જાદવ, સન્ની સચદેવ, કૈલાશ કાલડા અને ઈકબાલ ડભોઈવાલા સહિતના અન્ય વેપારીઓ પણ આ કેસમાં પીડિત હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં એક જ દિવસમાં 265 તાલુકામાં મેઘમહેર : સાંતલપુરમાં 15 ઈંચ, રાધનપુરમાં 13.46 ઈંચ વરસાદથી જળબંબાકાર
વેપારીઓ એકજૂટ થયા, પોલીસ ફરિયાદ બાદ તપાસ તેજ
લાંબા સમય સુધી ચુકવણીની રાહ જોયા બાદ અને વારંવાર ખાતરી છતાં રકમ પરત ન મળતાં તમામ પીડિત વેપારીઓએ એકજૂટ થઈને કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વેપાર સંબંધિત દસ્તાવેજો, ચેક, બિલો અને અન્ય નાણાકીય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
વેપારી વર્તુળોમાં ચિંતાનો માહોલ
આ ઘટનાએ વડોદરાના વેપારી વર્તુળોમાં ચિંતા ઉભી કરી છે. લાંબા સમયથી ચાલતા વિશ્વાસના આધારે થતા ઉધાર વ્યવહારોમાં હવે વેપારીઓ વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. વેપારી સંગઠનોનું માનવું છે કે, આવી ઘટનાઓ માત્ર વ્યક્તિગત નુકસાન પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ સમગ્ર વેપાર જગતમાં વિશ્વાસની વ્યવસ્થા પર પણ અસર કરે છે. તેથી આવા કિસ્સાઓમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી જરૂરી હોવાનું વેપારીઓ માની રહ્યા છે.





