Home Gujarat Gujarat Heavy Rain 253 Talukas 30736 Evacuated Red Alert Patan 12 Inch Rain

24 કલાકમાં ગુજરાતમાં વરસાદનો રૌદ્ર અવતાર! : 31 હજાર લોકો ઘર છોડવા મજબૂર, 1204 રસ્તા થયા બંધ; અનેક જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Heavy Rain
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 25, 2026, 03:53 AM IST

Gujarat Heavy Rain: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં છેલ્લા 24 કલાક રાજ્ય માટે ભારે સાબિત થયા છે. રાજ્યના કુલ 255માંથી 253 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળ્યું છે, જ્યાં પાટણ જિલ્લાના સાંતલપુરમાં 12.25 ઈંચ અને રાધનપુરમાં 9.50 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. Mભારે વરસાદના કારણે હજારો લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેને પગલે વહીવટી તંત્ર અને બચાવ દળોએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. માત્ર એક જ દિવસમાં 30,736 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આશરે 3,000 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અનેક નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે, જ્યારે રાજ્યના જળાશયોમાં પણ પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

પાટણમાં સૌથી વધુ વરસાદ, અનેક તાલુકામાં 4થી 12 ઈંચ સુધી વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લામાં નોંધાયો હતો. સાંતલપુરમાં 12.25 ઈંચ વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જ્યારે રાધનપુરમાં 9.50 ઈંચ વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. Mઆ ઉપરાંત ભાભર (7.15 ઈંચ), દાંતીવાડા (7 ઈંચ), દિયોદર (6.75 ઈંચ), મહેમદાવાદ (6.70 ઈંચ), થાનગઢ (6.50 ઈંચ), વાંકાનેર (6.50 ઈંચ), નડિયાદ (5.50 ઈંચ), ધનસુરા, ખેરાલુ અને હડાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે.

એક જ દિવસમાં 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, હજારોનું રેસ્ક્યુ

ભારે વરસાદને કારણે રાજ્યમાં મોટા પાયે સ્થળાંતર કરવું પડ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 30,736 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ 14,083 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે નવસારીમાં 12,367, સુરતમાં 2,810 અને અમદાવાદમાં 417 લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક જ દિવસમાં લગભગ 3,000 લોકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં માત્ર વલસાડ જિલ્લામાં જ 2,665 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું સરકારી આંકડા દર્શાવે છે. રાજ્ય સરકારના આંકડા મુજબ, 1 જૂનથી 23 જુલાઈ 2026 દરમિયાન કુલ 40,665 લોકોને સ્થળાંતર કરાયા છે, જ્યારે 6,766 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એક જ દિવસમાં 265 તાલુકામાં મેઘમહેર : સાંતલપુરમાં 15 ઈંચ, રાધનપુરમાં 13.46 ઈંચ વરસાદથી જળબંબાકાર

જનજીવન પર ગંભીર અસર, 1204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ

ધોધમાર વરસાદની સીધી અસર રાજ્યના માર્ગ વ્યવહાર પર પડી છે. હાલ સમગ્ર ગુજરાતમાં કુલ 1,204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં 30 સ્ટેટ હાઈવે, 4 નેશનલ હાઈવે, 3 NHAI માર્ગ, 1,119 પંચાયત માર્ગ અને 48 અન્ય માર્ગોનો સમાવેશ થાય છે. જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો વલસાડમાં સૌથી વધુ 461 રસ્તા બંધ છે. નવસારીમાં 248, સુરતમાં 244, તાપીમાં 190, ડાંગમાં 19, સુરેન્દ્રનગરમાં 11 અને અમદાવાદ જિલ્લામાં પણ અનેક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વહીવટી તંત્ર લોકોને જરૂરી કામ સિવાય પ્રવાસ ટાળવાની અપીલ કરી રહ્યું છે.

વીજળી વ્યવસ્થા ખોરવાઈ, હજારો ગામોમાં અંધારપટ

ભારે વરસાદ અને પવનના કારણે વીજ પુરવઠાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. રાજ્યના કુલ 4,095 ગામોમાં વીજળી ખોરવાઈ હતી. જોકે વીજ વિભાગની કામગીરી બાદ 3,762 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 333 ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણ રીતે પૂર્વવત થઈ શક્યો નથી. વરસાદને કારણે 8,207 ફીડર્સ, 7,882 વીજ પોલ અને 409 ટ્રાન્સફોર્મેશન સેન્ટરને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. વીજ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

જળાશયોમાં પાણીની આવક વધી, 10 ડેમ છલોછલ ભરાયા

સતત વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ગુજરાતના 207 જળાશયોમાં સરેરાશ 52.72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં 10 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 15 જળાશયો હાઈ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સરેરાશ 39.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 23.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.80 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.72 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.63 ટકા જળસ્તર નોંધાયું છે. Nરાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 68.33 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે આગામી દિવસોમાં પાણીની ઉપલબ્ધિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં આજથી Gen-Zનું આંદોલન : હોસ્ટેલ-કોલેજમાંથી કાઢી નાંખવાની ધમકી છતાં મેદાને ઉતર્યા યુવાઓ, સરકારની ચિંતા વધી

હવામાન વિભાગનું એલર્ટ, હજુ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકને ધ્યાનમાં રાખીને રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ સહિતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા, નદી-નાળાઓથી દૂર રહેવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now