Uttarakhand flood video: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ધારાલી ગામમાં વાદળ ફાટ્યું. જેનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઉપરથી પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો અને રસ્તામાં અને ઘરો સહિત બધુ જ તણાઈ ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ઊંચાઈ પર ફાટ્યું, ત્યારબાદ એક સાથે વધુ પાણી નાળામાં આવી ગયું. પાણીની સાથે કાટમાળ પણ આવ્યો, જેના કારણે પરિસ્થિતિ વધુ ખતરનાક બની ગઈ. નાળાની આસપાસના ઘરો પ્રવાહમાં તણાઈ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો કેવી રીતે ચીસો પાડી રહ્યા છે.
જોરદાર પાણીના પ્રવાહમાં તણાયુ કાટમાળ
વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાલી ગામ પાસે વહેતા નાળામાં પાણી સામાન્ય છે પરંતુ અચાનક પાણીનો જોરદાર પ્રવાહ કાટમાળ સાથે નીચે આવી રહ્યો છે. બીજી તરફ, ઊંચાઈ પર હાજર લોકો પોતાની આંખોથી તેને જોઈ રહ્યા હતા અને કેમેરામાં રેકોર્ડ કરી રહ્યા હતા. તે નીચે હાજર લોકોને ચેતવણી આપવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેને પૂરતો સમય મળ્યો નહીં કે જેથી તેઓ પોતાનો જીવ બચાવી શકે અને ત્યાંથી ભાગી શકે.
રાહત અને બચાવ કામગીરીમાં હાથ ધરાઈ
ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું હતું કે ઇમરજન્સી યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું છે, અધિકારીઓ અને ટીમો શોધ, રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ધારાલી (ઉત્તરાકાશી) વિસ્તારમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. SDRF, NDRF, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત ટીમો રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કાર્યરત છે. હું આ સંદર્ભે સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.






