Samir Shukla (Senior Journalist), New Jersey, USA:
જંગલની આગ એ સૌથી વિનાશક કુદરતી આપત્તિઓ માની એક છે, 2025 ના પહેલા ત્રણ મહિનામાં જ જંગલમાં લાગેલી આગને કારણે એકલા કેલિફોર્નિયામાં જ 50,000 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. જ્યારે 28 વ્યક્તિઓ ના મોત થયા . જે રાજ્યોમાં 2025 ના વર્ષના પહેલાં ત્રણ મહિનામાં આગ લાગી ચૂકી છે તેમાં લેબ્રાસ્કા, ફ્લોરિડા , ઓક્લોહોમા, એરિજોના, કેલિફોર્નિયા ટેક્સાસ, ન્યુ મેક્સિકો, સાઉથ કેરોલિના, મિઝોરી, મેરીલેન્ડ, ન્યુયોર્ક, મિસીસીપી, સાઉથ ડકોટા, કોલોરાડો, નોર્થ ડકોટા, આર્કાન્સસ, નોર્થ કેરોલિના, ન્યુ જર્સી અને કેન્ટકી છે.
દાવાનળની જેમ ફાટી નીકળતી આગ ઘરો બાળી નાંખે છે, જંગલો નાશ કરે છે, અનેક લોકોને તેમના ઘર-પરિવાર છોડવાની ફરજ પાડે છે. દર વર્ષે લાગતી જંગલોની આગને કારણે 5 મિલિયન એકર જમીન આગમાં સ્વાહા થઈ જાય છે, છેલ્લા દસ વર્ષમાં અમેરિકન સરકારને લગભગ 2523250200 ડોલરના આર્થિક બોજનો સામનો કરવો પડ્યો છે. 2024 ના વર્ષમાં જંગલી આગને કારણે 8.9 મિલિયન એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો. આગનું સૌથી મોટું તાંડવ Oregon અને Arizona રાજ્યોમાં જોવા મળ્યું હતું. 2024ના વર્ષમાં અમેરિકન સરકારને આગને કારણે 1.8 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. એ જ રીતે 2023 ના વર્ષમાં 23.2 બિલિયન ડોલરનું નુકસાન થયું. તો 2022 ના વર્ષમાં જંગલમાં લાગેલી આગને કારણે 18 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું.
જંગલોમાં લાગતી આગથી અબજો ડોલરનું નુકસાન તો થાય જ છે, આ ઉપરાંત પર્યાવરણ, અર્થતંત્ર અને માનવ આરોગ્ય પર ગંભીર અને લાંબા ગાળાની અસરો થાય છે. અમેરિકન સરકાર દર વર્ષે અત્યાધુનિક વિમાનો, અગ્નિશામકો અને ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમો સહિત અગ્નિશામક પ્રયાસ પર અબજો ડોલરનો ખર્ચ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલમાં આગ ઘાતક અને વારંવાર ઉભું થતું જોખમ છે, જેની તીવ્રતા અને સ્થાન દર વર્ષે બદલાય છે. ભયાનક અને રૌદ્ર આગ લાગવાના મુખ્ય પાસાઓ પર નજર કરીએ, ક્લાઈમેટ ચેન્જની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. ઠંડા પ્રદેશોમાં આગ લાગવાની ઘટનાઓ કેમ વારંવાર બને છે તે સવાલ સૌ કોઈને થાય છે, પરંતુ આ વિસ્તારોમાં સૂકી હવા અને સૂકા પાંદડાઓ આગ લાગવા માટે સૌથી મહત્વનું પરિબળ છે. આ ઉપરાંત
આબોહવા પરિવર્તન:
વધતું તાપમાન, લાંબા સમય સુધી દુષ્કાળ અને વરસાદની પેટર્નમાં ફેરફાર જંગલમાં આગની તીવ્રતામાં વધારો કરી રહ્યા છે. આ પરિસ્થિતિઓ સૂકા ઇંધણ બનાવે છે, જેનાથી આગ લાગવાનું અને ફેલાવવાનું અત્યંત ઘાતક બને છે.
બળતણ સંચય:
ભૂતકાળની અગ્નિશામક પદ્ધતિઓ કે જેને કારણે ઝડપથી આગ બુઝાવી શકાતી નથી કે આગ પર નિયંત્રણ લાદી શકાતું નથી, એટલું જ નહીં અમેરિકાના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં જંગલો અત્યંત ગીચ છે, એટલે કે વૃક્ષોની સંખ્યા એટલી બધી છે કે વધુ પડતો વનસ્પતિનો વિકાસ જંગલમાં આગ માટે ખતરા રૂપ સાબિત થાય છે. શુષ્ક હવાઓ વચ્ચે સૂકા પાંદડાઓ અને ડાળીઓ બળતણ પૂરું પાડે છે.
ખતરા રૂપ માનવ પ્રવૃત્તિ:
માનવ-સર્જિત આગ, જેમ કે બેદરકારી પૂર્વકનું કેમ્પફાયર, સિગારેટ સ્મોકિંગ અને તે માટે ઉપયોગમાં લેવાતા સાધનોના તણખા, એક મહત્વપૂર્ણ પરિબળ છે.
ભૌગોલિક વિતરણ:
કેલિફોર્નિયા, ઓરેગોન અને વોશિંગ્ટન સહિત પશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સના જંગલમાં આગનું પ્રમાણ વધુ છે. જો કે, દક્ષિણના રાજ્યો અને પૂર્વ કિનારાના ભાગો જેવા અન્ય પ્રદેશો પણ એટલાજ સંવેદનશીલ છે.
દેખરેખ અને માહિતી:
નેશનલ ઇન્ટર એજન્સી ફાયર સેન્ટર (NIFC) યુ.એસ.માં જંગલી આગની માહિતી માટેનો પ્રાથમિક સ્ત્રોત છે. તેઓ સક્રિય આગ, આગના જોખમના સ્તર અને સંસાધન ફાળવણી પર અપડેટ્સ પ્રદાન કરે છે. જંગલો પર્યાવરણ માટે આશીર્વાદરૂપ તો છે, પરંતુ જો આ જ જંગલોમાં આગ લાગે તો અર્થતંત્રના પાયાને હચમચતા વાર નથી લાગતી.






