Trump Tariffs Illegal: અમેરિકાના ન્યાયતંત્રએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિને મોટો કાયદાકીય ઝટકો આપ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ સરકાર દ્વારા વિદેશી વસ્તુઓ પર લાદવામાં આવેલા વધારાના ટેરિફ (આયાત ડ્યૂટી) ને ગેરકાયદેસર ઠેરવ્યા છે. આ ઐતિહાસિક ચુકાદાને પગલે અમેરિકન સરકારે વસૂલેલા કુલ 166 અબજ ડોલરના જંગી ટેરિફ રિફંડ કરવાની પ્રક્રિયા સોમવારથી સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. આ રિફંડમાં ભારતનો હિસ્સો અંદાજે 12 અબજ ડોલર (આશરે ₹1 લાખ કરોડથી વધુ) હોવાનું મનાય છે, જે ભારતીય નિકાસકારો માટે લાંબા ગાળે રાહતના સમાચાર છે.
જોકે, આ રિફંડની પ્રક્રિયા થોડી જટિલ છે. ટેકનિકલ રીતે આ રકમ સીધી ભારત સરકાર કે ભારતીય કંપનીઓના ખાતામાં જમા નહીં થાય. અમેરિકન કસ્ટમ્સ વિભાગ આ નાણાં ત્યાંના સ્થાનિક આયાતકારોને પરત કરશે, જેમણે માલ મંગાવતી વખતે આ ટેક્સ ભર્યો હતો. હવે ભારતીય નિકાસકારોએ પોતાની રકમ મેળવવા માટે અમેરિકન વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો કરવી પડશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI) ના અહેવાલ મુજબ, આ રિફંડ પ્રક્રિયા પૂર્ણ થતા 60 થી 90 દિવસ અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે.
ભારતના કયા સેક્ટરને કેટલું રિફંડ મળશે?
ભારતમાંથી અમેરિકા જતી કુલ નિકાસના અંદાજે 53 ટકા હિસ્સા પર આ આકરા ટેરિફની અસર પડી હતી. 12 અબજ ડોલરના કુલ રિફંડનું વિભાજન નીચે મુજબ છે:
એપરલ અને ટેક્સટાઈલ: સૌથી વધુ 4 અબજ ડોલરનું રિફંડ આ સેક્ટરના ફાળે જશે.
એન્જિનિયરિંગ ગુડ્સ: મશીનરી અને એન્જિનિયરિંગ માલસામાન પર પણ અંદાજે 4 અબજ ડોલર પરત મળવાપાત્ર છે.
કેમિકલ્સ સેક્ટર: રાસાયણિક ઉત્પાદનોની નિકાસ પર વસૂલાયેલા 2 અબજ ડોલર રિફંડ થશે.
અન્ય ક્ષેત્રો: બાકીના 2 અબજ ડોલર અન્ય વિવિધ ઉત્પાદનો સાથે જોડાયેલા છે.
રિફંડ મેળવવાની પ્રક્રિયા: ભારતીય કંપનીઓએ શું કરવું પડશે?
અમેરિકાના કસ્ટમ્સ વિભાગે રિફંડ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં અંદાજે 3.30 લાખ આયાતકારો દાવો કરવા પાત્ર છે. ભારતીય નિકાસકારો માટે સીધો દાવો કરવાની કોઈ જોગવાઈ નથી.
નિષ્ણાતોના મતે, જો ભારતીય નિકાસકારે માલ મોકલતી વખતે ટેરિફનો ખર્ચ પોતે ભોગવ્યો હોય અથવા આયાતકાર સાથે અગાઉથી 'રિફંડ શેરિંગ' અંગે કરાર કર્યો હોય, તો જ તેઓ આ નાણાં મેળવી શકશે. આ માટે ભારતીય કંપનીઓએ તેમના અમેરિકન ખરીદદારોનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે.
લાંબા ગાળે ભારતને શું ફાયદો થશે?
ભલે રોકડ રકમ મેળવવામાં થોડો સમય લાગે, પરંતુ આ ચુકાદાથી ભારતીય નિકાસ બજારમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વધુ સ્પર્ધાત્મકતા: ટેરિફ હટવાને કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ સસ્તો થશે, જે ચીન અને અન્ય દેશો સામે ભારતની સ્થિતિ મજબૂત કરશે.
નિકાસમાં ઉછાળો: ટેક્સનો બોજ ઘટતા ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં ઓર્ડર વધવાની શક્યતા છે.
વર્કિંગ કેપિટલ: જે કંપનીઓને રિફંડ મળશે, તેમની પાસે રોકડ પ્રવાહ (Cash Flow) વધશે, જેનો ઉપયોગ બિઝનેસના વિસ્તરણમાં કરી શકાશે.
રિફંડની સમયમર્યાદા
અમેરિકન પ્રશાસન મુજબ, જે કંપનીઓના દાવા યોગ્ય જણાશે તેમને આગામી 2 થી 3 મહિનામાં નાણાં ચૂકવવામાં આવશે. જોકે, મોટી સંખ્યામાં અરજીઓ હોવાને કારણે આ પ્રક્રિયા થોડી લંબાઈ શકે તેવી પણ શક્યતા છે.





