છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાની ટેરિફ નીતિ બાદ વૈશ્વિક બજારમાં હોબાળો મચી ગયો છે. દરમિયાન કેટલીક ન્યૂઝ ચેનલના માધ્યમથી સમાચાર વહેતા થયા હતા કે ટેરિફ પ્લાન પર 90 દિવસની રોક લગાવવામાં આવી છે. જે મળતાની સાથે જ વ્હાઈટ હાઉસને આ સમાચારને ફેક ન્યૂઝ કહીને ખબરને નકારી કાઢી છે.
વ્હાઇટ હાઉસે તેને ફેક ન્યૂઝ ગણાવ્યા
વિદેશી મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ચીન સિવાયના તમામ દેશો પર લાદવામાં આવેલા ટેરિફ પર 90 દિવસની મોકૂફી પર વિચાર કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મીડિયાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ પર 90 દિવસની ફ્રીઝ પર વિચારણા કરવાની કોઈ પણ વાત એ ખોટા સમાચાર છે.
ચીને અમેરિકા સાથે સૌથી ખરાબ કર્યું
યુએસ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમૅન સૅશના સંશોધન વડાએ દાવો કર્યો હતો કે જો ટ્રમ્પ તેમના ટેરિફને પરત લે છે તો પણ હવે મંદીની સંભાવના વધારે છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું છે કે વૈશ્વિક વેપારને ફરીથી સંતુલિત કરવા અને સ્થાનિક ચીજવસ્તુઓના પુનઃનિર્માણ માટે ટેરિફ જરૂરી છે. તેમણે સૌથી મોટા ગુનેગાર તરીકે ચીનને દોષી ઠેરવ્યું, જેણે અમેરિકાની સાથે સૌથી વધુ દુર્વ્યવહાર કર્યો.
વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં ચીને અમેરિકન ઉત્પાદનો પર પણ 34 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ 10 એપ્રિલથી અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવશે. ટ્રમ્પે ચીનના આ પગલાને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. ટ્રમ્પની ટેરિફ નીતિ પછી છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરના શેર બજારોમાંથી લગભગ 6 ટ્રિલિયન ડોલરનું મૂલ્ય સાફ થઈ ગયું છે.





