અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, જ્યાં સુધી યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ સમજૂતી ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પર બેન્કિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવાની ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. ટ્રમ્પનું નિવેદન 4 માર્ચના રોજ એવા અહેવાલો પછી આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ વહિવટીતંત્ર મોસ્કો સાથેના સંબંધો પુનઃસ્થાપિત કરવા અને યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયાને પ્રતિબંધોમાંથી રાહત આપવાની યોજના બનાવી રહ્યું છે.
રોઇટર્સે 4 માર્ચના રોજ અહેવાલ આપ્યો હતો કે વ્હાઇટ હાઉસે રાજ્ય અને ટ્રેઝરી વિભાગોને પ્રતિબંધોની યાદી તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે જેની રશિયન પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઈ શકે છે. આ ચર્ચાનો ઉદ્દેશ મોસ્કો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાનો હતો.
જો કે, ટ્રમ્પની યોજનાની પણ ટીકા કરવામાં આવી હતી, એમ કહીને કે ટ્રમ્પના આ નિર્ણય પછી રશિયા પરના તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવશે. ઘણા લોકોનું માનવું હતું કે પ્રતિબંધો હટાવવાથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમની લશ્કરી કામગીરી ચાલુ રાખવા માટે જરૂરી નાણાકીય સહાય મળી શકે છે, જે યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોમાં અવરોધ લાવી શકે છે. જો કે, રાહત આપવાને બદલે ટ્રમ્પે હવે રશિયા પર વધુ પ્રતિબંધોની જાહેરાત કરી છે.
ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ શાંતિ મંત્રણા માટે તૈયાર
ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું હતું કે તેઓ યુક્રેન સાથે શાંતિ સમજૂતીની રૂપરેખા અંગે ચર્ચા કરી રહ્યા છે. આવતા અઠવાડિયે સાઉદી અરેબિયામાં યુક્રેનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવાનું આયોજન છે, એમ તેમણે જણાવ્યું હતું. આ બેઠક રિયાધ અથવા જેદ્દામાં થવાની શક્યતા છે.
ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની વાતચીત
28 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, બંને પક્ષોએ ખનિજ સોદા પર વાતચીત ફરી શરૂ કરી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેમને ઝેલેન્સ્કી તરફથી એક પત્ર મળ્યો છે જેમાં યુક્રેનના નેતાએ વાટાઘાટો માટે તેમની તૈયારી દર્શાવી હતી.
સાઉદી અરબમાં શાંતિ મંત્રણા
વિટકોફે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં બેઠકનો હેતુ યુદ્ધવિરામ અને શાંતિ સમજૂતી માટે પ્રારંભિક માળખું તૈયાર કરવાનો છે. આ બેઠક યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.





