US Navy Secretary Resigns: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંરક્ષણ ટીમમાં વધુ એક મોટી 'વિકેટ' પડી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ચાલી રહેલી નાકાબંધી વચ્ચે અમેરિકી નૌકાદળના સેક્રેટરી જોન ફેલન (John Phelan) એ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પેન્ટાગોન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, જોકે રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ વૈશ્વિક સ્તરે જ્યારે અમેરિકી નેવી યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહી છે, ત્યારે જ ટોચના નેતૃત્વમાં આવેલા આ ફેરફારે અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
નોંધનીય છે કે જોન ફેલન લશ્કરી પૃષ્ઠભૂમિને બદલે વ્યવસાયિક જગતમાંથી આવતા હતા. તેઓ જાણીતા રોકાણકાર અને ટ્રમ્પના મુખ્ય ડોનર પૈકીના એક રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા પેન્ટાગોનના માળખામાં કરવામાં આવી રહેલા ધરમૂળથી ફેરફારોની શ્રેણીમાં આ રાજીનામું એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. ફેલનની વિદાય બાદ હવે હંગ કાઓ (Hung Cao) ને કાર્યકારી નેવી સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કાઓ પાસે લશ્કરી અનુભવની સાથે રાજકીય સમજ પણ છે, જે હાલની નાજુક પરિસ્થિતિમાં નૌકાદળની કામગીરીને વેગ આપશે તેવી અપેક્ષા છે.
ઈરાન સાથેના તણાવ અને હોર્મુઝ નાકાબંધી વચ્ચે મોટો નિર્ણય
હાલમાં મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. ઈરાન સંબંધિત સમુદ્રી ગતિવિધિઓ અને હોર્મુઝ વિસ્તારમાં ચાલી રહેલી નાકાબંધીને કારણે અમેરિકન નૌકાદળ પર કામનું ભારણ અને દબાણ બંને વધુ છે. આવા સમયે નેવી સેક્રેટરીનું રાજીનામું આપવું તે નીતિગત દૃષ્ટિએ ઘણું સૂચક છે. અમેરિકી વિમાનવાહક જહાજોની તૈનાતી અને કેરેબિયન વિસ્તારમાં ચાલી રહેલા ડ્રગ્સ વિરોધી ઓપરેશન્સ વચ્ચે નેતૃત્વમાં આ ફેરફાર લશ્કરી વ્યુહરચનામાં કોઈ મોટા ફેરફાર તરફ ઈશારો કરી રહ્યો છે.
પેન્ટાગોનમાં 'સફાઈ' અભિયાન? અનેક અધિકારીઓની હકાલપટ્ટી
મીડિયા અહેવાલો મુજબ, સંરક્ષણ સચિવ પીટ હેગસેથ (Pete Hegseth) પેન્ટાગોનમાં નેતૃત્વ પરિવર્તનની મોટી પ્રક્રિયા ચલાવી રહ્યા છે. અગાઉ રેન્ડી જ્યોર્જ સહિતના અનેક ટોચના સૈન્ય અધિકારીઓને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. ટ્રમ્પ સરકાર લશ્કરી નીતિઓમાં મોટો ફેરફાર કરવા માંગે છે અને જૂના માળખાને બદલીને પોતાના વિશ્વાસુ અને નવી દિશા આપી શકે તેવા અધિકારીઓની નિમણૂક કરી રહી છે. જોન ફેલનનું રાજીનામું પણ આ જ રણનીતિનો એક ભાગ હોઈ શકે છે.
આ પણ વાંચો: લેબનોનમાં ઈઝરાયલી હવાઈ હુમલો : મહિલા પત્રકાર સહિત પાંચના મોત, 6 કલાક સુધી કાટમાળ નીચે દટાયેલો રહ્યો મૃતદેહ
જોન ફેલન: ઇન્વેસ્ટરથી નેવી સેક્રેટરી સુધીની સફર
જોન ફેલનની ઓળખ મુખ્યત્વે એક સફળ રોકાણકાર અને Ruger Management LLC ના સ્થાપક તરીકેની રહી છે. લશ્કરી અનુભવ ન હોવા છતાં, ટ્રમ્પના નજીકના હોવાને કારણે તેમને નૌકાદળ જેવી મહત્વની પાંખની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન તેમણે નૌકાદળમાં આધુનિકીકરણ અને વહીવટી સુધારા લાવવાના પ્રયાસો કર્યા હતા. હવે જ્યારે નવા કાર્યકારી સેક્રેટરી હંગ કાઓ પદ સંભાળશે, ત્યારે વૈશ્વિક સુરક્ષા જવાબદારીઓ વચ્ચે અમેરિકી નૌકાદળ કેવી રીતે આગળ વધે છે તેના પર આખા વિશ્વની નજર રહેશે.





